<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

પાકિસ્તાનમાં ચીન દ્વારા નિર્માણાધીન તારબેલા ડેમ તૂટ્યો: સિંધુ નદીમાં પૂરનું જોખમ સર્જાતા ઈમરજન્સી જાહેર

ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં ટનલ ખોદકામ દરમિયાન ખડક ધરાશાયી થતાં પાણી પાવર હાઉસમાં ઘૂસ્યું; પ્રચંડ પ્રવાહથી તંત્રમાં દોડધામ

તારબેલા :સોમવારે બપોરના સમયે પાડોશી દેશ પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વા વિસ્તારમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જ્યાં ચીન દ્વારા નિર્માણાધીન તારબેલા ડેમની પાંચમી વિસ્તરણ પરિયોજનાના નિર્માણ સ્થળ પર અચાનક ખડકનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનાના કારણે પાણીનો પ્રચંડ પ્રવાહ સીધો જ વસ્તીવાળા વિસ્તારો અને પાવર હાઉસ ક્ષેત્રમાં ઘૂસી ગયો હતો, જેની સ્થાનિક તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આ બાંધકામ ચીનની જાણીતી કંપની 'પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ ચાઈના લિમિટેડ' દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, જ્યારે કનેક્ટિંગ ટનલનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે નબળી ખડક અચાનક તૂટી પડવાથી પાણી સીધું ટનલ અને નિર્માણાધીન પાવર હાઉસમાં પ્રવેશી ગયું હતું. આ ભયાનક અકસ્માત બાદ ત્વરિત ધોરણે સ્થળ પર ઈમરજન્સી જાહેર કરીને બાંધકામનું કામ અનિશ્ચિત સમય માટે અટકાવી દેવામાં આવ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા એક શ્રમિકને રેસ્ક્યૂ ટીમે સમયસર બચાવી લીધો હોવાના અહેવાલ છે, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે.

તારબેલા ડેમ પાકિસ્તાનની સૌથી મહત્વપૂર્ણ જળ વિદ્યુત પરિયોજનાઓમાંની એક છે અને સિંધુ નદી પર બનેલા આ ડેમ પર અગાઉ પણ સુરક્ષા તથા બાંધકામની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા છે. તાજેતરની આ દુર્ઘટના બાદ સિંધુ નદીના જળપ્રવાહમાં અચાનક વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સ્થિતિ પર નજર રાખી રહી છે જેથી પૂરની કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળી શકાય.

આગામી સમયમાં આ દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ પંચની રચના કરવામાં આવશે અને ચીની નિર્માણ કંપની સામે સુરક્ષા ધોરણોના ભંગ બદલ કડક કાર્યવાહી કરાવાની માંગ ઉઠી છે. ડેમની ક્ષતિગ્રસ્ત ટનલ અને પાવર હાઉસની મરામત ન થાય ત્યાં સુધી પ્રોજેક્ટનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે, તેમજ આ ઘટનાથી પાકિસ્તાનના ઉર્જા ક્ષેત્ર અને વીજ ઉત્પાદન પર પણ માઠી અસર પડવાની પૂરી શક્યતા છે.

(11:21 PM IST)