News of Sunday, 19th July 2026
ટેરિફથી નિકાસની કિંમતોમાં ખાસ ઘટાડો નહીં પણ અમેરિકાની આયાત ગુણવતા નિમ્ન સ્તરે પહોંચી :IMFએ ટ્રમ્પનો કાન આમળ્યો
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એ આ વર્કિંગ પેપરમાં સ્પષ્ટ કર્યું કે, ટ્રમ્પ ટેરિફ થકી પણ વિદેશી નિકાસકારોને કિંમત ઘટાડવા મજબૂર કરી શક્યા નથી

નવી દિલ્હી :ડોનાલ્ડ ટ્રમ્પનાં ટેરિફ એ વિશ્વભરનાં નિકાસકારો અને અમેરિકા પર કેવી અસર કરી ? આ વિશે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) નાં અર્થશાસ્ત્રીઓએ રિસર્ચ પેપરમાં વિસ્તારથી જણાવ્યું અને તેમાં જે વાતો સામે આવી છે તે અમેરિકાની મુશ્કેલીઓમાં વધારો કરનારી છે. ટ્રમ્પ ટેરિફને અરીસો બતાવનાર આઈએમએફનાં પેપરમાં જણાવવામાં આવ્યું છે કે- ગ્લોબલ ટેરિફથી નિકાસની કિંમતોમાં તો કોઈ ખાસ ઘટાડો નથી આવ્યો, પરંતુ અમેરિકાની આયાતની ગુણવત્તા નિમ્ન સ્તરે પહોંચી ગઈ છે.
આઈએમએફનાં રિસર્ચ પેપર અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એપ્રિલ 2025માં પ્રથમવાર વિશ્વનાં તમામ દેશ પર ટેરિફ બોમ્બ ફોડવામાં આવ્યો હતો. પરંતુ તેણે પોતાની ટેરિફ નીતિનાં ભાગ રુપે જે હાઈ રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો, તેની વિપરીત અસરો જોવા મળી છે. અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું કે- તેનાથી અમેરિકાને નિકાસ કરવામાં આવતા સામાનોની કિંમતોમાં ઘટાડો લાવવાની કોઈ ખાસ સફળતા મળી નથી. પરંતુ અમેરિકન આયાત ઉચ્ચ સ્તરથી નિમ્ન ગુણવત્તા તરફ આગળ વધી છે.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એ આ વર્કિંગ પેપરમાં સ્પષ્ટ કર્યું કે, ટ્રમ્પ ટેરિફ થકી પણ વિદેશી નિકાસકારોને કિંમત ઘટાડવા મજબૂર કરી શક્યા નથી. અમેરિકા દ્વારા લગાવવામાં આવેલ ટેરિફનો મોટો ભાગ આયાત કિંમતોનો ભાગ બન્યો. જેથી નિકાસકારોને વધારાના ખર્ચનો એક નાનો ભાગ જ સહન કરવાનો વારો આવ્યો. વિદેશી નિકાસકારોએ કિંમત ઘટાડવાને બદલે સ્થિર રાખી, જેથી અમેરિકન આયાતકારોએ ઓછા ખર્ચવાળા વિકલ્પોની શોધ હાથ ધરવી પડી છે.
અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું કે, રિસર્ચમાં સામે આવ્યું છે કે- ટેરિફને કારણે અમેરિકામાં આયાતકારોને નિમ્ન ગુણવત્તાવાળા આયાત તરફ વળવું પડ્યું છે. આ કંપનીઓની ઉત્પાદકતા પર નકારાત્મક અસર કરતી ઘટના છે. જ્યારે અમેરિકન ઉપભોક્તાઓને નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ મળી રહી છે. ભલે સરેરાશ આયાત મૂલ્ય ઓછું જોવા મળી રહ્યું હોય.
આઈએમએફ પેપરમાં રિસર્ચના પરિણામ જણાવે છે કે, ટ્રમ્પ ટેરિફે વિદેશી નિકાસકારો પાસેથી કિંમતમાં છૂટ મેળવવાનાં સ્થાને આયાતના માળખામાં ફેરફાર લાવવાનું કામ કર્યું છે. આયાતકારો એ વધુ કિંમતવાળા સ્ત્રોતથી હટીને અન્ય દિશામાં પ્રયાસ ઝડપી બનાવ્યા. જેમાં તેમણે ઓછી કિંમતવાળી આયાતને મહત્ત્વ આપવાનું અને ઈમ્પોર્ટ કરવાનું કામ શરૂ કર્યું. સરેરાશ આયાત કિંમતોમાં આવેલ ઘટાડો પ્રોડક્ટ કિંમતોના બદલે બાસ્કેટમાં ફેરફાર સ્વરૂપે જોવા મળી છે. આ રિસર્ચ પેપર આઈએમએફનાં અર્થશાસ્ત્રીઓ જેબીન આન, લોરેન્જો રોટુનો અને મિશેલ રુટા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
