<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ટાટા સન્‍સ IPO: દેશના સૌથી મોટા લિસ્‍ટિંગ પર આજે મળશે લીલીઝંડી

નોએલ ટાટાના વિરોધ વચ્‍ચે ટાટા ટ્રસ્‍ટની હાઈ-પ્રોફાઈલ બેઠકમાં લેવાશે ઐતિહાસિક નિર્ણય : રિઝર્વ બેંકના કડક નિયમોએ રતન ટાટાના સામ્રાજ્‍યને ‘શેડો બેંક' જાહેર કરતા IPO લાવવા માટે મજબૂર કર્યું

મુંબઈ તા.૮: ટાટા ગ્રુપની હોલ્‍ડિંગ કંપની ‘ટાટા સન્‍સ' માટે આજનો દિવસ આર-પારની લડાઈ સમાન છે. RBI એ ટાટા સન્‍સને ‘અપર લેયર' NBFC (શેડો બેંક) તરીકે વર્ગીકૃત કરી દીધી છે, જેના કારણે નિયમ મુજબ કંપનીએ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ સુધીમાં શેરબજારમાં લિસ્‍ટ થવું અનિવાર્ય છે. આજે ૮ મેના રોજ યોજાનારી ટાટા ટ્રસ્‍ટના બોર્ડની બેઠકમાં આ IPO ના ભાવિનો ફેંસલો થશે. નવાઈની વાત એ છે કે આ મામલે ટાટા પરિવારમાં જ બે ફાંટા પડ્‍યા છે. એકતરફ પારદર્શિતા માટે લિસ્‍ટિંગની હિમાયત કરાઈ રહી છે, તો બીજીતરફ નોએલ ટાટા આ લિસ્‍ટિંગનો સખત વિરોધ કરી રહ્યા છે, કારણ કે લિસ્‍ટિંગ બાદ ટાટા સન્‍સ પર સામાન્‍ય રોકાણકારો અને સેબીનું નિયંત્રણ વધી જશે.

જો ટાટા સન્‍સનો IPO બજારમાં આવે છે, તો તે ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો IPO સાબિત થઈ શકે છે. જોકે, આ લિસ્‍ટિંગનો સૌથી મોટો જેકપોટ શાપૂરજી પલોનજી (SP) ગ્રુપને લાગશે. ટાટા સન્‍સમાં ૧૮.૪% હિસ્‍સો ધરાવતા શાપૂર મિષી લાંબા સમયથી લિસ્‍ટિંગની તરફેણ કરી રહ્યા છે. હાલમાં તેમનો હિસ્‍સો ‘ઈલિક્‍વિડ' છે, એટલે કે તે શેર વેચીને તાત્‍કાલિક રોકડ મેળવી શકતા નથી. એકવાર કંપની લિસ્‍ટ થઈ જાય પછી તેમના હિસ્‍સાનું સાચું મૂલ્‍ય અબજો ડોલરમાં ખુલશે, જેનાથી SP ગ્રુપને તેમનું તોતિંગ દેવું ચૂકવવામાં મોટી મદદ મળશે.

ટાટા ગ્રુપ માટે આ વખતે RBI માંથી છૂટ મેળવવી અશક્‍ય લાગી રહી છે. અગાઉ ૨૦૨૨માં કંપનીએ દેવાનું પુનર્ગઠન કરીને લિસ્‍ટિંગ ટાળ્‍યું હતું, પરંતુ હવે રૂા.૧ લાખ કરોડથી વધુની એસેટ વેલ્‍યુ ધરાવતી કંપનીઓ માટે RBI એ નિયમોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાનો ઇનકાર કર્યો છે. જો ટાટા સન્‍સ ૧ જુલાઈ સુધીમાં કોઈ મજબૂત પ્‍લાન રજૂ નહીં કરે, તો તેણે ફરજિયાતપણે પબ્‍લિક લિમિટેડ કંપની બનવું પડશે. રોકાણકારો પણ શ્વાસ અધ્‍ધર કરીને બેઠા છે, કારણ કે ટાટા સન્‍સનું લિસ્‍ટિંગ થવું એટલે ટાટા ગ્રુપની અન્‍ય કંપનીઓ જેવી કે TCS અને ટાટા મોટર્સના વેલ્‍યુએશનમાં પણ મોટો ઉછાળો આવવો.

(10:32 AM IST)