<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

TCS નાશિક કાંડ: જાતીય સતામણી અને ધર્મ પરિવર્તનના આરોપી દાનિશ શેખને કોર્ટનો ઝટકો

બળજબરીથી ધર્મ બદલાવવાના અને મહિલા કર્મચારીઓના શોષણના ગંભીર આરોપોમાં ફસાયેલા સોફ્ટવેર એન્જિનિયરની વચગાળાની જામીન અરજી ફગાવી : SIT ની તપાસ તેજ થતા ટેક જગતમાં ભારે ખળભળાટ : 27 એપ્રિલ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ

નાશિક: દેશની પ્રતિષ્ઠિત આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના નાશિક યુનિટમાં ચાલી રહેલા હાઈ-પ્રોફાઈલ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને ધર્મ પરિવર્તન કેસમાં મુખ્ય આરોપી દાનિશ શેખની મુશ્કેલીઓ વધી છે. કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા દાનિશને કોઈપણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. નોંધનીય છે કે, 31 વર્ષીય આ સોફ્ટવેર પ્રોફેશનલ સામે નવ જેટલી એફઆઈઆર (FIR) નોંધાયેલી છે, જેમાં તેણે ધરપકડથી બચવા અને વચગાળાની સુરક્ષા માટે અપીલ કરી હતી. જોકે, કોર્ટે પ્રોસિક્યુશનને 27 એપ્રિલ સુધીમાં વિગતવાર જવાબ રજૂ કરવા કહીને આરોપીને જેલના સળિયા પાછળ જ રહેવાનો આદેશ આપ્યો છે.

આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ અત્યાર સુધીમાં આઠ કર્મચારીઓની ધરપકડ કરી છે, જેમાં એક મહિલા HR મેનેજરનો પણ સમાવેશ થાય છે. આ આખા કૌભાંડમાં મહિલા કર્મચારીઓને નોકરીની લાલચ આપીને અથવા ડરાવી-ધમકાવીને જાતીય શોષણ કરવા અને ત્યારબાદ તેમને ચોક્કસ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરવાના સનસનાટીભર્યા ખુલાસા થયા છે. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 75 અને 299 હેઠળ ધાર્મિક લાગણી દુભાવવા અને છેડતીના ગંભીર ગુનાઓ નોંધાયા છે. તપાસ એજન્સીઓ હાલ એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ.

બીજી તરફ, આ ઘટનાને પગલે કોર્પોરેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે. TCS એ આ મામલે આક્રમક વલણ અપનાવતા તમામ આરોપી કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. કંપનીએ નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ 'ઝીરો ટોલરન્સ' નીતિને અનુસરે છે અને કર્મચારીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. નાશિકના મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસની આગામી સુનાવણી પર હવે સૌની નજર ટકેલી છે, કારણ કે તેમાં અન્ય મોટા માથાઓના નામ બહાર આવવાની પણ શક્યતા સેવાઈ રહી છે.

(5:57 PM IST)