<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

ટેક કંપનીઓની ખેર નથી! સોશિયલ મીડિયા પર બાળકોના પ્રતિબંધને વધુ કડક બનાવશે ઓસ્ટ્રેલિયા; નિયમો તોડવા બદલ દંડની રકમ બમણી કરીને રૂ. ૫૮૦ કરોડ ($70M) કરાઈ

૧૬ વર્ષથી ઓછી ઉંમરના કિશોરો હજુ પણ છૂપી રીતે વાપરી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ-યુટ્યુબ: વડાપ્રધાન એન્થોની અલ્બેનીસનો મોટી ટેક કંપનીઓ પર આકરો પ્રહાર

કેનબેરા : બાળકો અને કિશોરોના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે વિશ્વમાં સૌથી પહેલીવાર સોશિયલ મીડિયા પર વય-પ્રતિબંધ લગાવનારા દેશ ઓસ્ટ્રેલિયાએ હવે ટેક કંપનીઓ સામે લાલ આંખ કરી છે. ઓસ્ટ્રેલિયન સરકારે શનિવારે જાહેરાત કરી છે કે તેઓ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેના સોશિયલ મીડિયા પ્રતિબંધના કાયદાને વધુ કડક અને ઘાતક બનાવશે. ડિસેમ્બરમાં લાગુ કરાયેલા આ ઐતિહાસિક કાયદાની ધાર ધારી અસર ન દેખાતા સરકારે સ્વીકાર્યું છે કે ટેક જાયન્ટ્સને કાબૂમાં લેવા માટે કાયદાકીય કોરડો વીંઝવો જ પડશે.

નવા સુધારા મુજબ, કાયદાનું ઉલ્લંઘન કરનારી સોશિયલ મીડિયા કંપનીઓ માટેનો મહત્તમ દંડ બમણો કરીને અંદાજે ૭૦ મિલિયન ડોલર (આશરે ₹૫૮૦ કરોડ રૂપિયા) સુધી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઓનલાઈન સેફ્ટી રેગ્યુલેટરની કાનૂની સત્તાઓમાં પણ જબરદસ્ત વધારો કરવામાં આવ્યો છે.

કાયદો હોવા છતાં ૧૦ માંથી ૭ બાળકો હજુ પણ પ્લેટફોર્મ પર સક્રિય!

સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવી લોકપ્રિય એપ્સ પર એકાઉન્ટ બનાવવા માટે લઘુત્તમ વય ૧૬ વર્ષ નક્કી કરતો કાયદો લાવ્યા બાદ બ્રિટન, કેનેડા, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ જેવા દેશોએ પણ ઓસ્ટ્રેલિયાની નકલ કરી હતી. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. લાખો નકલી કે શંકાસ્પદ એકાઉન્ટ્સ ડિલીટ કરાયા હોવા છતાં, સરકારી રિપોર્ટ અનુસાર, ૧૦ માંથી લગભગ ૭ માતા-પિતાએ સ્વીકાર્યું છે કે તેમના બાળકો હજુ પણ કોઈને કોઈ રીતે આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યા છે અને કાયદાની ખાસ અસર થઈ નથી.

"મોટી ટેક કંપનીઓ પૂરતું કામ નથી કરી રહી" – વડાપ્રધાન અલ્બેનીસ

સરકારનું કડક વલણ

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસએ આ અંગે આકરા શબ્દોમાં એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, "એ સ્પષ્ટ છે કે મોટી ટેક કંપનીઓ કાયદાનું પાલન કરવા માટે પૂરતું કામ નથી કરી રહી – સોશિયલ મીડિયા પર હજુ પણ અસંખ્ય બાળકો સક્રિય છે. આ નવા ફેરફારો એ સાબિત કરે છે કે જો કોઈ કંપની અમારા વિશ્વ-અગ્રણી કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો અમે તેને કેટલી ગંભીરતાથી લઈશું અને સખત પાઠ ભણાવીશું."

ટેક પ્લેબુકની ચાલાકીઓ હવે નહીં ચાલે

દેશના સંદેશાવ્યવહાર મંત્રી અનિકા વેલ્સે પણ આ મામલે ટેક કંપનીઓની આકરી આલોચના કરી છે. તેમણે જણાવ્યું કે, "આ આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેમની 'બિગ ટેક પ્લેબુક' માંથી સીધી યુક્તિઓ અપનાવી રહી છે અને કાયદા બચવા માટે માત્ર નામપૂરતા જ પગલાં લઈ રહી છે."

નવા નિયમો લાગુ થયા બાદ હવે સોશિયલ મીડિયા કંપનીઓએ સરકારને એ ગેરંટી આપવી પડશે અને પુરાવા સબમિટ કરવા પડશે કે તેઓ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સને ફિલ્ટર કરવા અને દૂર રાખવા માટે ટેકનોલોજીકલ સ્તરે કયા ચોક્કસ અને મજબૂત પગલાં લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાનો આ કડક મૂડ ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટના નિયમો બદલી શકે છે.

(8:38 PM IST)