તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
અમેરિકાનું 'ડોલર ડ્રીમ' છોડીને ભારત પરત ફરી રહ્યા છે ટેક પ્રોફેશનલ્સ: માત્ર 9 મહિનામાં હજારો વ્હાઈટ-કોલર કર્મચારીઓએ કરી વતન વાપસી!
અમેરિકામાં એચ-૧બી વિઝાની અનિશ્ચિતતાઓ, બદલાતી ઇમિગ્રેશન નીતિઓ અને ટેક સેક્ટરમાં ચાલતી છટણી વચ્ચે મોટી સંખ્યામાં ભારતીય ટેક પ્રોફેશનલ્સ પોતાનું વિદેશી સપનું છોડીને ભારત તરફ પરત ફરી રહ્યા છે.

નવી દિલ્હી : અમેરિકામાં ઊંચા પગાર અને ભવ્ય કારકિર્દીનું સ્વપ્ન સેવીને ગયેલા ભારતીય ટેકનોલોજી નિષ્ણાતો માટે હવે ત્યાંની પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. એક્સફેનો (Xpheno) ના તાજેતરના ડેટા અનુસાર, જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન અમેરિકાથી આશરે ૧૨,૭૦0 વ્હાઈટ-કોલર ટેક પ્રોફેશનલ્સ ભારત પરત ફર્યા છે. આ આંકડો વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા ૧૫,૧00 ના વાર્ષિક રેકોર્ડની અત્યંત નજીક પહોંચી ગયો છે. વર્ષ ૨૦૨૩માં આ સંખ્યા માત્ર ૭,૨૦૦ હતી, જે ૨૦૨૪માં વધીને ૯,૮૦૦ થઈ હતી. જે ઝડપથી વાપસી થઈ રહી છે તેને જોતા વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં આ તમામ જૂના રેકોર્ડ તૂટી જાય તેવી પૂરી સંભાવના છે.
જોકે, વિદેશથી પરત ફરતા આ ટેક પ્રોફેશનલ્સ માટે ભારતમાં આવીને તરત જ મનપસંદ નોકરી મેળવવી એટલી સરળ નથી. ભારતીય ટેક ક્ષેત્રમાં ૨૦૨૧ પછી ભરતીની પ્રક્રિયામાં સતત સ્થિરતા જોવા મળી નથી અને કંપનીઓ હવે માત્ર વિદેશી અનુભવને બદલે ઉમેદવારની વિશેષ કુશળતાને જ પ્રાથમિકતા આપી રહી છે. આ ઉપરાંત, સૌથી મોટો પડકાર પગારનો છે. નિષ્ણાતોના મતે, અમેરિકામાં મળતા પગારની સરખામણીમાં ભારતમાં પરત ફરતા કર્મચારીઓએ ૨૫ થી ૩૩ ટકા જેટલા જ પગારમાં કામ સ્વીકારવું પડી શકે છે. અમેરિકામાં એચ-૧બી વિઝા પર કામ કરતા ફુલ-સ્ટેક એન્જિનિયરનો સરેરાશ વાર્ષિક પગાર ૧,૦૫,૦૦૦ ડૉલર હોય છે, જ્યારે ભારતમાં સમાન કૌશલ્ય ધરાવતા ટોચના એક ટકા પ્રોફેશનલ્સ વાર્ષિક ૨૦,૦૦૦ થી ૩૨,૦૦૦ ડૉલર સુધીની આવક મેળવી શકે છે.
આ બાબતે ટીમલીઝ ડિજિટલનાં મુખ્ય કાર્યકારી અધિકારી નીતિ શર્માએ જણાવ્યું છે કે ભારતમાં હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, પ્રોડક્ટ લીડરશિપ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં કુશળતા ધરાવતા વિશેષજ્ઞોની ભારે માંગ છે. આ ક્ષેત્રોમાં કામ કરનારાઓ માટે સારી તકો ઉપલબ્ધ છે, પરંતુ અન્ય કર્મચારીઓએ ભારતીય બજારની વાસ્તવિકતા અને પગાર ધોરણોને ધ્યાનમાં રાખીને પોતાની અપેક્ષાઓ સાથે સમાધાન કરવું પડી શકે છે.
એક તરફ જ્યાં ભારત તરફ વાપસી કરનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ તે જ સમયગાળામાં (જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૬) ભારતમાંથી આશરે ૧૪,૫00 લોકો નોકરી કે અભ્યાસ માટે અમેરિકા ગયા પણ છે. એટલે કે અમેરિકા જનારાઓની કુલ સંખ્યા હજુ પણ પરત ફરનારાઓ કરતા થોડી વધુ છે. આ બદલાવ પાછળ અમેરિકાની કડક વિઝા નીતિઓ અને ટેક કંપનીઓની અનિશ્ચિતતાઓ મુખ્ય કારણો છે. ભારતમાં પરત ફરતા પ્રોફેશનલ્સ માટે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) એક સારો વિકલ્પ સાબિત થઈ રહ્યા છે, જ્યાં તેમણે સ્થાનિક કુશળ સ્પર્ધકો સાથે સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
