<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ટ્રમ્પની ભીષણ ગર્જનાથી તેહરાન ધ્રૂજ્યું: "શાંતિ વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈરાન પર થશે અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો"

હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા તણાવ વચ્ચે ઇરાનના નવા પ્રસ્તાવને વોશિંગ્ટને ફગાવ્યો: અમેરિકી બેઝ અને યુદ્ધ જહાજોને ભસ્મીભૂત કરવાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની વળતી ચેતવણીથી પશ્ચિમ એશિયામાં ફરી મહાયુદ્ધના એંધાણ

 

 

વોશિંગ્ટન:

પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામની આશા પર ફરી એકવાર જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તેહરાન ઇઝરાયલ સાથેના શાંતિ કરારમાં નિષ્ફળ જશે, તો અમેરિકા સીધી લશ્કરી કાર્યવાહી કરતા અચકાશે નહીં. શુક્રવારે પાકિસ્તાન મારફતે આવેલા ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવને ટ્રમ્પે નકારી કાઢતા કહ્યું કે તેઓ પ્રસ્તાવિત શરતોથી સંતુષ્ટ નથી. ટ્રમ્પના મતે ઈરાનનું સૈન્ય માળખું હવે નોંધપાત્ર રીતે નબળું પડી ગયું છે અને ત્યાંનું નેતૃત્વ આંતરિક વિખવાદમાં ફસાયેલું છે.

બીજી તરફ, ઈરાને પણ આક્રમક વલણ અપનાવતા અમેરિકાને ભયાનક પરિણામો ભોગવવાની ધમકી આપી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે સ્પષ્ટ કર્યું છે કે જો તેમના પર હુમલો થશે, તો પ્રદેશમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝ અને દરિયામાં તરતા યુદ્ધ જહાજોને તેહરાન જડબાતોડ જવાબ આપીને બાળી નાખશે. હોર્મુઝ સ્ટ્રેટના માર્ગ પર નિયંત્રણ મેળવવા માટે બંને દેશો વચ્ચે ચાલી રહેલી આ ખેંચતાણથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના બજારોમાં પણ ખળભળાટ મચી ગયો છે.

ટ્રમ્પે આ તબક્કે માત્ર ઈરાન જ નહીં, પરંતુ યુરોપિયન યુનિયન (EU) પર પણ પ્રહારો કર્યા છે. વેપાર કરારોનું પાલન ન કરવાનો આરોપ લગાવીને અમેરિકાએ યુરોપિયન કાર અને ટ્રક પર ટેરિફ વધારીને ૨૫ ટકા કરી દીધો છે. એક તરફ પશ્ચિમ એશિયામાં સૈન્ય ટકરાવની સ્થિતિ છે, તો બીજી તરફ આર્થિક મોરચે યુરોપ સાથેનો તણાવ વધી રહ્યો છે. પ્રમુખ ટ્રમ્પની આ 'અમેરિકા ફર્સ્ટ' નીતિ અને ઈરાન પ્રત્યેના આકરા વલણને જોતા આગામી દિવસોમાં મધ્ય પૂર્વમાં શાંતિના સ્થાને ભીષણ યુદ્ધ ફાટી નીકળે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

(12:30 AM IST)