તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
'કોકરોચ જનતા પાર્ટી' પાછળ તેજસ્વી યાદવનો હાથ?: તજિન્દર બગ્ગાએ લેટરહેડ જાહેર કરી મચાવ્યો ખળભળાટ
૬ જૂને જંતર-મંતર પર થનારા વિરોધ પ્રદર્શન પહેલાં જ રાજકારણ ગરમાયું

નવી દિલ્હી: દેશના રાજકીય આલમમાં રહસ્ય બનેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) પાછળ અસલમાં કોણ છે, તે રહસ્ય પરથી હવે પડદો ઊંચકાયો છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ સોશિયલ મીડિયા પર સનસનાટીપૂર્ણ પુરાવા રજૂ કરીને દાવો કર્યો છે કે આ વિચિત્ર પક્ષ પાછળ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ (RJD) નો હાથ છે. બગ્ગાએ આરજેડીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પ્રો. મનોજ ઝાના સત્તાવાર લેટરહેડની નકલ જાહેર કરી છે, જેમાં કોકરોચ જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે દિલ્હીના પ્રતિષ્ઠિત કોન્સ્ટિટ્યુશન ક્લબમાં હોલ બુક કરવાની ભલામણ કરવામાં આવી હતી. બગ્ગાએ કટાક્ષ કર્યો હતો કે આ કથિત ઝુંબેશ શરૂ થાય તે પહેલાં જ તેનો પર્દાફાશ થઈ ગયો છે અને તેને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી દ્વારા જ સ્પોન્સર કરવામાં આવી છે.
આ વિવાદ એવા સમયે વકર્યો છે જ્યારે સીજેપીએ તાજેતરમાં જ ૩ જૂને એક પત્રકાર પરિષદ યોજીને પોતાની ભવિષ્યની રણનીતિ સ્પષ્ટ કરી હતી અને આગામી ૬ જૂનના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. તજિન્દર બગ્ગાએ માત્ર મનોજ ઝાના પત્ર પર જ સવાલ નથી ઉઠાવ્યા, પરંતુ આ નવગઠિત પક્ષના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસની વિશ્વસનીયતા પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપ આ સમગ્ર ઘટનાક્રમને વિપક્ષ દ્વારા સરકાર વિરોધી માહોલ ઊભો કરવા માટે રચાયેલું એક રાજકીય નાટક ગણાવી રહી છે.
બીજી તરફ, આ વિરોધ પ્રદર્શનને પ્રાદેશિક પક્ષોનું સમર્થન પણ મળવા લાગ્યું છે. 'જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જે)' ના નેતા અમિત જોગીએ ૬ જૂનના આ પ્રદર્શનને ખુલ્લો ટેકો આપતાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે છત્તીસગઢમાં કોકરોચને 'ઝેંગુરા' કહેવામાં આવે છે અને હવે આ 'ઝેંગુરા' જંતર-મંતર પર આવી રહ્યા છે. દેશમાં વિપક્ષી પાર્ટીઓને તોડવા માટે ચાલી રહેલા 'ઓપરેશન લોટસ' પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે, વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ટકી રહેવા માટે વિપક્ષી નેતાઓએ પણ 'કોકરોચ' જેવી પ્રતિકાર શક્તિ કેળવવી પડશે. આ નિવેદન બાદ હવે ૬ જૂનના પ્રદર્શન પર સમગ્ર દેશની નજર મંડાયેલી છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
