તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
તેલંગાણા: ચારમિનાર એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ભભૂકી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
એલેર સ્ટેશન નજીક ટ્રેનમાં આગ લાગતા મુસાફરોમાં ગભરાટ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

તેલંગાણા: તેલંગાણાના યાદાદ્રી ભુવનગિરી જિલ્લામાં આવેલા એલેર રેલવે સ્ટેશન પાસે ચારમિનાર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાલતી ટ્રેનમાં અચાનક આગ ભભૂકતા મુસાફરોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચારમિનાર એક્સપ્રેસ એલેર સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનના એક ડબ્બામાં શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામીને કારણે ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. થોડી જ વારમાં આગની જ્વાળાઓ દેખાતા મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી નીચે ઉતરવા દોડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ રેલવેના સ્થાનિક અધિકારીઓ અને તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી, જેમણે સમયસર કામગીરી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આગને કારણે ટ્રેન વ્યવહાર પર થોડા સમય માટે અસર પડી હતી. હાલ રેલવે વિભાગ દ્વારા આ ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાય.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
