<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

કેરળમાં મંદિર ઉત્સવ લોહીલુહાણ: બે હાથીઓ ગાંડાતૂર બનતા બે લોકોના કરુણ મોત, અનેક વાહનોનો કચ્ચરઘાણ

ભક્તિના માહોલમાં મોતનું તાંડવ: અંગમાલી અને ઇરિંજલકુડામાં ગજરાજ બેકાબૂ બનતા નાસભાગ મચી: ટ્રેનર અને સહાયક મહાવતને કચડી નાખ્યા, વન વિભાગે બે કલાકની જહેમત બાદ એનેસ્થેસિયા આપીને હાથીને કર્યા કાબૂમાં

તિરુવનંતપુરમ:  કેરળના શાંત અને ભક્તિમય વાતાવરણમાં બે અલગ-અલગ મંદિર ઉત્સવો દરમિયાન કાળમુખો વળાંક આવ્યો હતો. અંગમાલીના કિદાનગુર મહાવિષ્ણુ મંદિરમાં ઉત્સવ માટે લાવવામાં આવેલ 'મય્યાનદ પાર્થસારથી' નામનો હાથી અચાનક હિંસક બની ગયો હતો. મંદિરની નજીક બાંધેલો હાથી સાંકળો તોડીને ગાંડાતૂર બનતા ભક્તોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન હાથીને કાબૂમાં લેવા ગયેલા ટ્રક ડ્રાઇવર વિષ્ણુને હાથીએ પગ નીચે કચડી નાખ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અન્ય એક મહાવત પ્રદીપ પણ ગંભીર રીતે ઘાયલ થયો છે, જે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હાથીના ગુસ્સાનો ભોગ માત્ર માણસો જ નહીં, પરંતુ વાહનો પણ બન્યા હતા. ટીવી ફૂટેજમાં જોઈ શકાય છે તેમ, આ વિશાળકાય પ્રાણીએ રમકડાની જેમ કારને પલટાવી નાખી હતી અને અનેક ટુ-વ્હીલર્સનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી વન વિભાગ અને એલિફન્ટ સ્કવોડ તુરંત હરકતમાં આવી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ, પશુચિકિત્સકે હાથીને એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપ્યું હતું. શરૂઆતમાં હાથી વધુ આક્રમક થયો હતો, પરંતુ ધીમે ધીમે તેની અસર થતા તેને મજબૂત સાંકળોથી ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ હાથી અગાઉ જગવિખ્યાત 'ત્રિશૂર પૂરમ' જેવા મોટા તહેવારોમાં ભાગ લઈ ચૂક્યો છે અને તે ખૂબ જ શાંત સ્વભાવનો મનાતો હતો.

બીજી તરફ, ઇરિંજલકુડાના શ્રી કૂડલમાનિક્યમ મંદિરમાં પણ આવી જ એક ભયાનક ઘટના ઘટી હતી. અહીં એક હાથી અગાઉથી જ હિંસક જણાતો હોવાથી તેને અલગ બાંધી રાખવામાં આવ્યો હતો, પરંતુ શુક્રવારે જ્યારે મહાવત તેને ખોરાક આપવા ગયો ત્યારે હાથીએ અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સહાયક મહાવતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે મુખ્ય મહાવતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક પોલીસે આ મામલે મંદિર વ્યવસ્થાપન (દેવસ્વોમ) ની કોઈ બેદરકારી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. એક જ દિવસમાં બનેલી આ બે ઘટનાઓએ ઉત્સવોમાં હાથીઓના ઉપયોગ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

(8:22 PM IST)