News of Saturday, 13th June 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ હવે મોટી 'શાંતિ ડીલ'માં બદલાઈ શકે: અબ્બાસ અરાઘચીએ આપ્યા સંકેત
તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે 'ઇસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ' (MoU) ને આખરી ઓપ આપવાનું કામ હવે તેના સૌથી નજીકના તબક્કામાં

નવી દિલ્હી :છેલ્લા લાંબા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ હવે ટૂંક સમયમાં જ એક મોટી 'શાંતિ ડીલ'માં બદલાઈ શકે છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી તેમજ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના નિવેદનો બાદ આ ચર્ચા ખૂબ જ તેજ બની છે અને માનવામાં આવી રહ્યું છે કે આગામી થોડા જ કલાકોમાં આ ઐતિહાસિક સમજૂતી પર અંતિમ મહોર લાગી શકે છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ શુક્રવારે સંકેત આપ્યા છે કે, તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે 'ઇસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ' (MoU) ને આખરી ઓપ આપવાનું કામ હવે તેના સૌથી નજીકના તબક્કામાં પહોંચી ગયું છે. તેમણે મીડિયાને અપીલ કરી છે કે જ્યાં સુધી પ્રક્રિયા સત્તાવાર રીતે પૂરી ન થાય ત્યાં સુધી આ કરારની સામગ્રી અને શરતો વિશે કોઈપણ પ્રકારની અટકળો લગાવવાથી બચે, કારણ કે યોગ્ય સમયે બધી જ વિગતો સાર્વજનિક કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રારંભિક કરાર હેઠળ ઈરાન પોતાના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમને રોકવા અને ન્યુક્લિયર મટીરિયલનો નાશ કરવા માટે સંમત થયું છે. આ મુદ્દો બંને દેશો વચ્ચે વર્ષોથી વિવાદનું મુખ્ય કારણ રહ્યો છે, જેનો હવે કાયમી ઉકેલ આવી શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પણ આ મામલે પુષ્ટિ કરતા જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારનો અંતિમ અને સર્વસંમત મુસદ્દો (ડ્રાફ્ટ) તૈયાર થઈ ચૂક્યો છે. હવે માત્ર બંને દેશો દ્વારા લેવાનારા આગામી સત્તાવાર પગલાંઓ અને પ્રોટોકોલને આખરી ઓપ આપવાનો જ બાકી રહ્યો છે, જેના માટે બંને પક્ષો પોતાના પ્રતિનિધિમંડળ તૈયાર કરી રહ્યા છે.
અમેરિકી પ્રશાસનના સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ, આ એક 'પર્ફોર્મન્સ-બેઝ્ડ ડીલ' એટલે કે કામના આધારે થનારો કરાર હશે, જે અંતર્ગત ઈરાન પોતાની પ્રતિબદ્ધતાઓ પૂરી નહીં કરે ત્યાં સુધી તેનું ફ્રીઝ થયેલું ફંડ મુક્ત કરવામાં નહીં આવે. આ ડીલ સાઈન થતાં જ ઈરાન આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દરિયાઈ સરહદને ફરીથી ખોલવા માટે પણ રાજી થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
