<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ફરી ટેન્શન શરૂ: ગલ્ફ ઓફ ઓમાનમાં ધમાસાણ: અમેરિકાએ ઈરાનના જહાજ 'ટૂસ્કા' પર હુમલો કરી કબજો જમાવ્યો: કેટલાક અમેરિકી યુધ્ધ જહાજો ઉપર ઈરાનનો ડ્રોન હુમલાથી વળતો પ્રહાર: યુધ્ધ ભડકે તેવી શક્યતા

આવતીકાલે મંગળવારે યુદ્ધવિરામ પૂરો થાય તે પહેલા જ અમેરિકી નેવી દ્વારા મિસાઇલ-તોપમારો: ઈરાને આ કાર્યવાહીને ચાંચિયાગીરી ગણાવી આકરા વળતા પ્રહારની ચેતવણી આપી ​

વોશિંગ્ટન/તેહરાન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે યુએસ નેવીએ ઓમાનના અખાતમાં ઈરાનનું ૯૦૦ ફૂટ લાંબુ માલવાહક જહાજ 'ટૂસ્કા' જપ્ત કર્યું છે. અમેરિકન નાકાબંધી તોડવાનો પ્રયાસ કરતા આ જહાજને અટકાવી તેના એન્જિન રૂમમાં તોપમારો કરી યુએસ મરીન્સે કબજો જમાવ્યો હતો. સામા પક્ષે, ઈરાને વળતા પ્રહારમાં અમેરિકન યુદ્ધ જહાજો પર ડ્રોન હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. આ ઘર્ષણ એવા સમયે થયું છે જ્યારે બંને દેશો વચ્ચેનો યુદ્ધવિરામ આવતીકાલે મંગળવારે જ પૂરો થઈ રહ્યો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલીમાં વધુ એક ભડકો થયો છે. ગલ્ફ ઓફ ઓમાનમાં અમેરિકન નૌકાદળે ઈરાનના કોમર્શિયલ કન્ટેનર જહાજ 'ટૂસ્કા' પર હુમલો કરી તેને પોતાના કબજામાં લીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર આ કાર્યવાહીની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, ૯૦૦ ફૂટ લાંબુ અને એરક્રાફ્ટ કેરિયર જેટલું વજન ધરાવતું આ જહાજ અમેરિકન નેવલ બ્લોકેડ (નાકાબંધી) તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

​પ્રાપ્ત વિગતો અનુસાર, 'યુએસએસ સ્પ્રુઆન્સ' નામના અમેરિકન ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરે ચીનથી ઈરાન તરફ જઈ રહેલા 'ટૂસ્કા'ને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ૬ કલાક સુધી સતત ચેતવણીઓ આપ્યા છતાં ઈરાની ક્રૂ મેમ્બર્સે જહાજ રોકવાનો ઇનકાર કરતા અમેરિકન નેવીએ તેના એન્જિન રૂમમાં ૫ ઇંચની ગનથી હુમલો કરી મોટું ગાબડું પાડી દીધું હતું. ત્યારબાદ યુએસ મરીન્સે જહાજમાં પ્રવેશી તેને પોતાના નિયંત્રણમાં લીધું છે. આ જહાજ ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે અમેરિકન ટ્રેઝરીના પ્રતિબંધો હેઠળ હતું.

​બીજી તરફ, આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ઈરાનમાં પડ્યા છે. ઈરાનની સરકારી સમાચાર સંસ્થા તસ્નીમ તેમજ આઇઆરજીસી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાએ યુદ્ધવિરામનો ભંગ કરીને ખુલ્લેઆમ ચાંચિયાગીરી કરી છે. ઈરાની સેનાના પ્રવક્તાએ આકરા શબ્દોમાં ચીમકી આપી છે કે ઈરાનની સશસ્ત્ર સેના આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. 

ઈરાની મીડિયાના દાવા મુજબ, 'ટૂસ્કા' પર થયેલા હુમલાના તુરંત બાદ ઈરાની દળોએ કેટલાક અમેરિકન યુદ્ધ જહાજો પર ડ્રોન વડે વળતો પ્રહાર કર્યો છે.

 

આંતરરાષ્ટ્રીય ડિજિટલ મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ટકરાવ અત્યંત નાજુક સમયે થયો છે. બંને દેશો વચ્ચેનો બે સપ્તાહનો યુદ્ધવિરામ આવતીકાલે મંગળવારે પૂરો થવા જઈ રહ્યો છે. અત્યારે બંને પક્ષો વચ્ચે શાંતિ મંત્રણાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે આ સામસામા હુમલાથી સીઝફાયર લંબાવાની આશાઓ પર પાણી ફરી વળે અને યુદ્ધ વધુ ભડકે તેવી પૂરી શક્યતા છે.*

 

(9:31 AM IST)