News of Thursday, 26th November 2026
માર્કેટ કેપ અને લિસ્ટેડ કંપનીઓની સંખ્યામાં દિલ્હી-કર્ણાટકને પાછળ રાખી ગુજરાત દેશનું બીજા નંબરનું રાજ્ય બન્યું
શેરબજારમાં ગુજરાતની મોટી છલાંગઃ દેશના કુલ માર્કેટ કેપમાં ગુજરાતનો હિસ્સો ૧૫ ટકા અને લિસ્ટેડ કંપનીઓમાં ૧૪.૨ ટકા

મુંબઇઃ તા.૨૬: દેશના શેરબજારમાં ગુજરાતે પોતાની આર્થિક તાકાતનો વધુ એક વખત પરચો આપ્યો છે. માર્કેટ કેપિટલાઇઝેશન અને શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યામાં ગુજરાતે દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. ૩૧ ઓક્ટોબર સુધીના આંકડા પ્રમાણે, દેશના કુલ માર્કેટ કેપમાં ગુજરાતનો હિસ્સો ૧૫ ટકા અને લિસ્ટેડ કંપનીઓમાં ૧૪.૨ ટકા છે. આ રીતે ગુજરાતે દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુ જેવા મોટા આર્થિક કેન્દ્રોને પાછળ છોડી દીધાં છે. મહારાષ્ટ્ર હજુ પણ પ્રથમ સ્થાને છે.
નાણાકીય વર્ષ ૨૦૨૭માં અત્યાર સુધીના સમયગાળાના આ આંકડા સીએમઆઈઈ પ્રોવેસ (CMIE Prowess), એલએસઈ વર્કસ્પેસ (LSE Workspace) અને એનએસઈ ઈપીઆર (NSE EPR) પાસેથી મેળવવામાં આવ્યા છે. કુલ ૩,૩૫૩ કંપનીઓના સંયુક્ત ડેટાના આધારે આ વિશ્લેષણ કરાયું છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈના કારણે મહારાષ્ટ્ર ૪૨.૧ ટકા માર્કેટ કેપ હિસ્સા સાથે પ્રથમ સ્થાને છે. દેશની કુલ લિસ્ટેડ કંપનીઓમાંથી ૩૨.૪ ટકા કંપનીઓ મહારાષ્ટ્રમાં છે. ગુજરાત ૧૫ ટકા હિસ્સા સાથે બીજા ક્રમે છે, જ્યારે ૧૩.૧ ટકા સાથે દિલ્હી (એનસીટી) ત્રીજા, ૭.૬ ટકા સાથે કર્ણાટક ચોથા અને ૫.૫ ટકા સાથે તમિલનાડુ પાંચમા સ્થાને છે.
લિસ્ટેડ કંપનીઓની સંખ્યામાં પણ ગુજરાતનો હિસ્સો ૧૪.૨ ટકા છે. આ યાદીમાં મહારાષ્ટ્ર ૩૨.૪ ટકા સાથે -થમ સ્થાને છે, જ્યારે દિલ્હી (એનસીટી) ૧૨.૨ ટકા સાથે ત્રીજા ક્રમે છે. તમિલનાડુ અને પ?મિ બંગાળ બંને ૬.૪ ટકા હિસ્સા સાથે સંયુક્ત રીતે ચોથા સ્થાને છે.
અમદાવાદના સ્ટોક બ્રોકર અને મર્ચન્ટ બેન્કર વનેશ પંચાલના મતે, ગુજરાતની ઉદ્યોગસાહસિકતાની પરંપરા અને શેરબજારમાં નવી કંપનીઓના પ્રવેશને કારણે આ મજબૂત સ્થિતિ સર્જાઈ છે. તેમના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ઉદ્યોગસાહસિકતા અને ઇક્વિટી માર્કેટમાં ભાગીદારીની ઊંડી સંસ્કળતિ છે. રાજ્યમાંથી સતત નવી કંપનીઓ શેરબજારમાં આવી છે. છેલ્લા એક દાયકામાં વિવિધ ક્ષેત્રોની અનેક નવી લિસ્ટેડ કંપનીઓએ પણ સારું પ્રદર્શન કર્યું છે.
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં મુખ્ય મથક ધરાવતા અદાણી, ટોરેન્ટ અને ઝાયડસ જેવા મોટા કોર્પોરેટ જૂથોએ રોકાણકારોનો વિશ્વાસ જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. નવા ઇશ્યૂ લાવતી કંપનીઓના કારણે પણ ભારતીય શેરબજારમાં ગુજરાતની હાજરી વિસ્તરી છે.
બજાર વિશ્લેષકોના મતે, કંપનીઓની સંખ્યા અને તેમના મૂલ્યાંકન બંનેમાં ગુજરાતની મજબૂતી રાજ્યના વિસ્તરતા કોર્પોરેટ માળખાને દર્શાવે છે. ભારતના પબ્લિક માર્કેટના વિકાસને દિશા આપવામાં ગુજરાતનો પ્રભાવ વધી રહ્યો હોવાનો આંકડા સીધો સંકેત આપે છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
