<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

"વરસાદી પાણીના નિકાલમાં ભયંકર ભ્રષ્ટાચાર, પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા" - ગુજરાત સરકાર પર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના આકરા પ્રહારો : જુઓ વિડીયો

કુદરતી વહેણમાં ગેરકાયદે બાંધકામો કરનાર બિલ્ડરો સામે કડક કાર્યવાહી કરવા, જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટ કમિટીનો અહેવાલ જાહેર કરવા, જ્યુડિશિયલ પંચની રચના કરવા અને પશુપાલકો, ખેડૂતો તથા વેપારીઓને વળતર આપવા માંગ

અમદાવાદ: રાજ્યમાં સર્જાયેલી પૂર અને જળબંબાકારની સ્થિતિને લઈને રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે સામાન્ય જનતાએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ લોકો પાસેથી મોટાપાયે ટેક્સ વસૂલે છે અને સ્ટ્રોમ ડ્રેનેજ મેનેજમેન્ટ હેઠળ વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે, છતાં પણ મોટાભાગના વિસ્તારો જળમગ્ન બન્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી વાહનો અને મિલકતોને ભારે નુકસાન થયું છે.

 

ગ્રામીણ વિસ્તારોની દુર્દશા અને સુરત પૂર કમિટીનો મુદ્દો:

શક્તિસિંહ ગોહિલે ઉમેર્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોની પરિસ્થિતિ અત્યંત કલ્પનાતીત બની ગઈ છે. ચોમાસા પહેલા રસ્તાઓ, નાળા અને પુલિયાની સફાઈ થવી જોઈતી હતી, પરંતુ ભાજપ સરકારે તેની કોઈ દરકાર કરી નથી. થાગડ-થીગડ કામો અને ભયમુક્ત ભ્રષ્ટાચારના કારણે જનતા પીડાઈ રહી છે. ભૂતકાળમાં સુરતમાં પૂર આવ્યું ત્યારે જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટ કમિટીએ આપેલા સારા સૂચનો અને ભલામણોને સરકારે જાહેર કરીને તેમાંથી કેટલું કામ કર્યું છે તેનો હિસાબ આપવો જોઈએ.

 

કુદરતી પ્રવાહમાં અવરોધ અને ભાલ વિસ્તારનો વિવાદ:

પાણીના કુદરતી વહેણ કે કાંસમાં કોઈ પણ મંજૂરી વગર કે મંજૂરી આપીને કરાયેલા બાંધકામો અંગે નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કડક આદેશો હોવા છતાં ભાજપ સાથે જોડાયેલા અને ધનસંગ્રહ આપનારા બિલ્ડરોએ કુદરતી માર્ગો રોકીને મોટા બાંધકામો કર્યા છે. આ સિવાય ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારમાંથી પસાર થતી ત્રણ મોટી નદીઓના પાણીના નિકાલની ચિંતા કરવાના બદલે મીઠાના અગરો માટે જમીનો ફાળવી દેવાતાં સમગ્ર વિસ્તારમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે.

 

વળતર અને તટસ્થ તપાસ પંચની માંગણી:

નાના પશુપાલકો, ખેડૂતો અને નાના-મોટા વેપારીઓને થયેલા નુકસાન અંગે શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે કે ભૂતકાળમાં કોંગ્રેસ સરકારની જેમ જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદાની જોગવાઈ મુજબ માનવતાના ધોરણે જેને જેટલું નુકસાન થયું હોય તેટલું વળતર ચૂકવવામાં આવે. આ સાથે જ વરસાદી પાણીના નિકાલમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ માટે તટસ્થ જ્યુડિશિયલ સુપરવિઝન હેઠળ પંચની રચના કરવામાં આવે અને કાયદાનો અનાદર કરનારા મોટા માથાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

(11:47 AM IST)