તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
પાકિસ્તાન ક્રિકેટમાં ભયાનક ડ્રામા અને વિવાદ: લંડનમાં પાકિસ્તાની પત્રકારોએ PCB ચીફ મોહસીન નકવીને ઘેર્યા, પ્રશ્નોનો જવાબ આપ્યા વિના ચાલતી પકડી
લોર્ડ્સ ટેસ્ટમાં શરમજનક હાર બાદ બોર્ડમાં મોટી સર્જિકલ સ્ટ્રાઈક; રિઝવાન-ઈમામ સહિત ૭ સિનિયર ખેલાડીઓ બહાર, પસંદગીકારોને શો-કોઝ નોટિસ પાઠવાઈ

લંડન, તા.૦૨: પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલો ડ્રામા હવે વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. લોર્ડ્સ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં થયેલા શરમજનક પરાજય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચીફ અને દેશના આંતરિક મંત્રી મોહસીન નકવીને લંડનમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. લંડન સ્થિત હાઈ કમિશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પહોંચેલા નકવી પોતાની લક્ઝરી કારમાંથી બહાર નીકળતાની સાથે જ ઉત્તેજિત પત્રકારોએ તેમને ઘેરી લીધા હતા. જોકે, ગંભીર પ્રશ્નોથી બચવા માટે નકવી એક પણ સવાલનો જવાબ આપ્યા વગર સીધા અંદર જતાં રહ્યા હતા.
ક્રિકેટ ટીમની ભયાનક નિષ્ફળતા બાદ PCB એ ટીમમાં અભૂતપૂર્વ અને કડક ફેરફારો કરવાનું શરૂ કર્યું છે. ઈમામ-ઉલ-હક, સલમાન અલી આગા અને કેપ્ટન મોહમ્મદ રિઝવાન જેવા ૭ દિગ્ગજ અને અનુભવી ખેલાડીઓને તાત્કાલિક અસરથી ટીમમાંથી બહાર કરીને સ્વદેશ પરત મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોચિંગ સ્ટાફમાં પણ મોટા ફેરફાર કરીને સરફરાઝ અહેમદ અને ઉમર ગુલની જગ્યાએ માઈક હેસન અને એશ્લે નોફકેની નિમણૂક કરવામાં આવી છે.
પસંદગી સમિતિ સામે કાર્યવાહી અને ત્રીજી ટેસ્ટ માટે નવી ટીમની જાહેરાત
સ્થિતિ એટલી વણસી ગઈ છે કે PCB એ પોતાની જ સભ્યો ધરાવતી પસંદગી સમિતિને કારણદર્શક (શો-કોઝ) નોટિસ ફટકારીને રિઝવાન અને ઈમામ જેવા ખેલાડીઓની પસંદગી અંગે ખુલાસો માંગ્યો છે. આ વિવાદ વચ્ચે પૂર્વ કેપ્ટન અને પસંદગીકાર મિસ્બાહ-ઉલ-હકે રાજીનામું આપવાની પેશકશ કરી છે.
ત્રીજી ટેસ્ટ મેચ માટે પાકિસ્તાને અરાફત મિન્હાસ, મોહમ્મદ ઈમરાન જુનિયર, સાદ બેગ, મોહમ્મદ ઈમરાન રંધાવા અને રજાઉલ્લાહ જેવા ૫ સાવ નવા અને અનકેપ્ડ ખેલાડીઓને ટીમમાં સામેલ કરીને મોટો જુગાર ખેલ્યો છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
