તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
બંગાળના રાજકારણમાં ભયંકર ભૂકંપ: TMCમાં મોટો બળવો થતાં સત્તા ગુમાવ્યા બાદ હવે ફેરિયાઓના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા મમતા બેનર્જી
ગળામાં પ્લેકાર્ડ લટકાવી બનાવી માનવ સાંકળ : અડધાથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનને ટેકો જાહેર કરતા મમતા એકલા પડ્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો સત્તાપલટો અને રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને પક્ષમાં ભયંકર ભંગાણ બાદ પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ ના સુપ્રીમો મમતા બેનર્જી ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. બુધવારે કોલકાતાના ધર્મતલા વિસ્તારમાં ફેરિયાઓ (સ્ટ્રીટ વેન્ડર્સ) દ્વારા યોજાયેલી વિશાળ વિરોધ કૂચમાં મમતા બેનર્જી અચાનક સામેલ થયા હતા. પોતાના રાજકીય અસ્તિત્વની લડાઈ લડી રહેલા મમતા બેનર્જી ગળામાં પ્લેકાર્ડ લટકાવીને રસ્તા પર સામાન્ય લોકોની જેમ માનવ સાંકળ બનાવતા જોવા મળ્યા હતા. તેમની સાથે ટીએમસીના વફાદાર નેતાઓ કુણાલ ઘોષ અને ડોલા સેન પણ આ આક્રોશ રેલીમાં જોડાયા હતા, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
મમતા બેનર્જીએ આ મંચ પરથી કેન્દ્ર અને બંગાળની નવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "બંગાળમાં સત્તા સંભાળ્યા પછી ભાજપ સરકાર ફેરિયાઓ સાથે જે ક્રૂરતાથી વર્તી રહી છે તેનાથી હું આઘાત પામી છું અને ભારે ગુસ્સામાં છું. ગરીબ ફેરિયાઓને બળજબરીથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે, તેમની નાની-નાની દુકાનો તોડી પાડીને તેમને રસ્તા પર ભિખારી બનાવી દેવાયા છે." તેમણે ફેરિયાઓને દેશના પાયાના અર્થતંત્રનો સાચો ચહેરો ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બંગાળમાં સત્તા પર આવતાની સાથે જ ભાજપ સરકારે જાધવપુર, દમદમ, હાવડા અને સિયાલદાહ જેવા મોટા રેલ્વે સ્ટેશનો અને ફૂટપાથ પર અતિક્રમણ હટાવવાના નામે જોરદાર બુલડોઝર એક્શન શરૂ કરી છે, જેની સામે હવે કલકત્તા હાઈકોર્ટે પણ વચગાળાનો સ્ટે આપવો પડ્યો છે.
બીજી તરફ, મમતા બેનર્જી હાલ પોતાના ત્રણ દાયકાના રાજકીય કરિયરના સૌથી અંધકારમય અને મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. બંગાળમાં સત્તા ગુમાવ્યાના માંડ એક મહિનાની અંદર ટીએમસીના ૮૦ ધારાસભ્યોમાંથી આશરે ૬૦ ધારાસભ્યોએ બળવો કરીને પક્ષપલટો કરી લીધો છે. એટલું જ નહીં, લોકસભામાં ટીએમસીના ૨૮ સાંસદોમાંથી ૨૦ સાંસદોએ કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં બે-તૃતીયાંશ બહુમતી સાથે અલગ જૂથ બનાવી લીધું છે અને એક નાના પક્ષમાં વિલીનીકરણ કરીને કેન્દ્રની NDA સરકારને સમર્થન જાહેર કરી દીધું છે. ધારાસભ્યો અને સાંસદોના આ સામૂહિક બળવા બાદ પક્ષ પરથી પકડ ગુમાવી ચૂકેલા મમતા બેનર્જી હવે ફરી એકવાર જનતાની સહાનુભૂતિ મેળવવા અને ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો માંડવા માટે સડક પર ઉતરીને સંઘર્ષ કરી રહ્યા છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
