તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
બંગાળના રાજકારણમાં ભયંકર ભૂકંપ: તૃણમૂલમાં આંતરવિગ્રહ ચરમસીમાએ, રોષે ભરાયેલા મમતા બેનર્જીનો બળવાખોરો પર પ્રહાર- 'આ લોકો દેશદ્રોહી છે, મને રોકવી હોય તો મારી નાખો!'
૮૦ ધારાસભ્યો અને સાંસદો તૂટતા વાસ્તવિક TMC કોણ તેની કાનૂની લડાઈ શરૂ; બળવાખોર જૂથે કોલકાતા હેડક્વાર્ટર કબજે કરતા દીદીએ કહ્યું- 'હું ભાજપ સામે ક્યારેય નહીં ઝૂકું'

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. ત્રણ દાયકા સુધી બંગાળના શાસન પર પકડ જમાવનાર અને ડાબેરીઓનો સફાયો કરનાર તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રિમો મમતા બેનર્જી અત્યારે પોતાના જ પક્ષમાં સૌથી મોટા બળવાનો સામનો કરી રહ્યા છે. એક પછી એક મળી રહેલા આંચકાઓથી મમતા બેનર્જીની ધીરજ હવે ખૂટી ગઈ છે. પક્ષના અગ્રણી નેતા ઋતાબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથમાં TMC ના ૮૦ જેટલા ધારાસભ્યો અને લોકસભા સાંસદો જોડાઈ જતાં પાર્ટીના બે ભાગલા પડી ગયા છે. આ સ્થિતિ વચ્ચે લાલચોળ થયેલા મમતા બેનર્જીએ બળવાખોરોને સરેઆમ 'દેશદ્રોહી' જાહેર કરીને હૃદય હચમચાવી દેનારું નિવેદન આપ્યું છે કે, "જો તમે મને રોકવા માંગતા હો, તો મને જાનથી મારી નાખો."
આ બળવાએ હવે 'અસલી તૃણમૂલ કોંગ્રેસ કોણ?' તેની કાનૂની અને રાજકીય લડાઈને જન્મ આપ્યો છે. ઋતાબ્રત બેનર્જીના જૂથે ચૂંટણી પંચ સમક્ષ પક્ષના નામ અને ચૂંટણી પ્રતીક (જોડકા ફૂલ) પર પોતાનો દાવો રજૂ કરી દીધો છે. જેની સામે દીદીએ ગર્જના કરી છે કે, પક્ષનું પ્રતીક માત્ર તેમની સાથે વફાદાર રહેનારા જૂથ પાસે જ રહેશે અને તેઓ બળવાખોરોને આસાનીથી પ્રતીક હડપ કરવા નહીં દે.
બળવાખોરોએ પાર્ટી હેડક્વાર્ટર પર કર્યો કબજો, દીદીએ આપ્યો જવાબ
TMC ના અસ્તિત્વની આ લડાઈ શુક્રવારે ત્યારે વધુ વણસી ગઈ જ્યારે ઋતાબ્રત બેનર્જી, ફિરહાદ હકીમ, જાવેદ ખાન અને સંદીપન સાહા જેવા વરિષ્ઠ નેતાઓ સાથે અચાનક કોલકાતાના EM બાયપાસ સ્થિત કામચલાઉ પાર્ટી મુખ્યાલયે પહોંચ્યા હતા અને ઓફિસ પર પોતાનો કબજો જમાવી દીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેઓ જ અસલી TMC છે અને જગતના માલિકો સાથે નવો કરાર કરી ચૂક્યા છે.
આ ઘટના પર આકરા પ્રહારો કરતા મમતા બેનર્જીએ જણાવ્યું કે, "ગઈકાલે જે લોકોએ ઓફિસ બંધ કરી દીધી, તેમને હું કહી દઉં કે આ ઓફિસ ઓક્ટોબર ૨૦૨૭ સુધી અમારા નામે ભાડે રાખેલી છે. કોઈ પણ નેતા પક્ષ છોડી શકે છે, પણ તેનાથી સંસ્થા ખતમ થતી નથી. કોઈ પણ બળજબરીથી 'મા, માટી, માનુષ' ની આ મિલકત છીનવી શકે નહીં."
ચંદ્રિમા ભટ્ટાચાર્યનું રાજીનામું અને ભાજપ પર નિશાન
પાર્ટીમાં ચાલી રહેલી આ પડતી વચ્ચે વરિષ્ઠ નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અંગે ખુલાસો કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, ચંદ્રિમાનો પુત્ર પહેલાથી જ બળવાખોર જૂથમાં જોડાઈ ગયો હતો, જેથી તેમણે રાજીનામું આપ્યું છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે ચંદ્રિમા પોતે ક્યારેય બળવાખોરો સાથે નહીં જાય.
ભાજપ સામે ચૂંટણી હાર્યા બાદ સર્જાયેલી આ પરિસ્થિતિ અંગે મમતાએ આક્રોશપૂર્વક જણાવ્યું કે, આ તમામ બળવાખોરો વિરોધીઓના દબાણ હેઠળ અલગ થયા છે. પરંતુ હું કે મારી પાર્ટી કોઈપણ પ્રકારના કેન્દ્રીય દબાણ સામે ઝૂકશે નહીં અને આ લડાઈ રસ્તાથી લઈને કોર્ટ સુધી લડવામાં આવશે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
