તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
પંજાબના રાજકારણમાં ભયાનક ભૂકંપ: CM ભગવંત માનના ભાઈએ પકડ્યો 'કમળ'નો સાથ : AAPના ગઢમાં મોટું ગાબડું
2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ખેલી સૌથી મોટી રાજકીય ચાલ: મુખ્યમંત્રીના પિતરાઈ ભાઈ જ્ઞાન સિંહ કેસરીિયા ધારણ કરતા પંજાબના રાજકારણમાં ખળભળાટ અને AAP છાવણીમાં ચિંતાના વાદળો

ચંડીગઢ: પંજાબના રાજકારણમાં એક એવો વળાંક આવ્યો છે જેણે આમ આદમી પાર્ટી ના પાયા હચમચાવી દીધા છે. રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માનના પિતરાઈ ભાઈ જ્ઞાન સિંહે સત્તાધારી પક્ષને જોરદાર ફટકો આપતા ભારતીય જનતા પાર્ટી નો કેસરીિયો ખેસ ધારણ કરી લીધો છે. ચંડીગઢમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં પંજાબ ભાજપ પ્રમુખ સુનીલ જાખડ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની હાજરીમાં જ્ઞાન સિંહ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રીના જ પરિવારના સભ્યનું વિરોધ પક્ષમાં જવું એ પંજાબના રાજકીય વર્તુળોમાં સૌથી ચર્ચાસ્પદ વિષય બની ગયો છે.
જ્ઞાન સિંહની સાથે અન્ય પ્રભાવશાળી નેતાઓ બલજિંદર સિંહ વારિંગ અને મનજિંદર સિંહે પણ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સુનીલ જાખડે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પંજાબના લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને ભાજપ રાજ્યમાં સતત મજબૂત બની રહ્યું છે. પીએમ મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈને લોકો વિરોધ પક્ષો છોડી રહ્યા છે. આ ઘટનાક્રમને આગામી 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપના 'મિશન પંજાબ' ના એક ભાગ તરીકે જોવામાં આવી રહ્યો છે, જેમાં પક્ષ હવે સીધી રીતે મુખ્યમંત્રીના ઘરે જ રાજકીય રમત રમી રહ્યો હોય તેમ જણાય છે.
આ આંચકાથી આમ આદમી પાર્ટી માટે પંજાબમાં બચાવ કરવો મુશ્કેલ બની શકે છે, કારણ કે ભગવંત માન પોતે પાર્ટીનો સૌથી મોટો ચહેરો છે. મુખ્યમંત્રીના ભાઈના પક્ષપલટાથી વિપક્ષને બેઠું ભાથું મળી ગયું છે અને રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ માત્ર શરૂઆત છે. પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ પોતાની સક્રિયતા વધારી રહ્યું છે અને સત્તાધારી પક્ષના નજીકના લોકોને પોતાની તરફ ખેંચીને મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આગામી દિવસોમાં પંજાબના રાજકારણમાં વધુ મોટા ધડાકા થવાની શક્યતા નકારી શકાતી નથી.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
