<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

પંજાબના રાજકારણમાં ભયંકર ભૂકંપ: AAP સાથે છેડો ફાડી ભાજપમાં ભળેલા રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદો 5 મેના રોજ રાષ્ટ્રપતિને મળશે, માન સરકાર સામે મોરચો માંડ્યો

ભગવંત માન સરકાર પર બદલાની રાજનીતિ અને સરકારી મશીનરીના દુરુપયોગનો ગંભીર આરોપ: સંદીપ પાઠક સામે ગુનો નોંધાતા મામલો ગરમાયો, પંજાબમાં સત્તાધારી પક્ષ અને બળવાખોર નેતાઓ વચ્ચે આરપારની લડાઈ શરૂ

નવી દિલ્હી :આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા હવે પોતાના ભૂતપૂર્વ પક્ષ અને પંજાબની ભગવંત માન સરકાર સામે સીધા ટકરાવના મૂડમાં છે. રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આગામી 5 મેના રોજ સવારે 10:40 કલાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. આ બેઠક દરમિયાન તેઓ પંજાબ સરકાર દ્વારા કરવામાં આવતી કથિત "બદલાની રાજનીતિ" અને સરકારી તંત્રના દુરુપયોગ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવશે. તાજેતરમાં જ AAP માંથી સાત સાંસદોના સામૂહિક રાજીનામા અને ભાજપમાં વિલીનીકરણ બાદ પંજાબના રાજકારણમાં મચેલી ઉથલપાથલ હવે રાષ્ટ્રપતિ ભવનના ઉંબરે પહોંચી છે.

સાંસદોનો આરોપ છે કે જે નેતાઓએ AAP છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે, તેમને પંજાબ સરકાર જાણી જોઈને નિશાન બનાવી રહી છે. આ કવાયતના ભાગરૂપે જ ચૂંટણી વ્યૂહરચનાકાર ગણાતા સંદીપ પાઠક સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ બે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. દિલ્હી સ્થિત પાઠકના નિવાસે પંજાબ પોલીસની ટીમ પહોંચે તે પહેલા જ તેઓ ત્યાંથી નીકળી ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત, સાંસદ રાજેન્દ્ર ગુપ્તાની કંપની પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના દરોડા અને ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહની સુરક્ષા પાછી ખેંચી લેવાની ઘટનાઓએ માન સરકારના ઈરાદાઓ પર સવાલો ઉભા કર્યા છે, જેના કારણે બળવાખોર સાંસદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાઘવ ચઢ્ઢાએ અગાઉ પત્રકાર પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી હવે તેના મૂળભૂત સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. રાજ્યસભાના અધ્યક્ષે પણ બે તૃતીયાંશ બહુમતી હોવાને કારણે આ સાંસદોના ભાજપમાં જોડાવાને માન્યતા આપી છે, છતાં પંજાબમાં વહીવટી તંત્ર દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 5 મેના રોજ યોજાનારી આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં સ્વાતિ માલીવાલ, વિક્રમજીત સિંહ સાહની અને અશોક મિત્તલ જેવા દિગ્ગજો પણ સામેલ થશે. પંજાબની વર્તમાન સ્થિતિમાં રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની માંગ સાથે આ સાંસદો કાયદાકીય અને રાજકીય લડાઈને વધુ ઉગ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

(4:35 PM IST)