<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લમાં ભયંકર ભૂસ્ખલન: નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો : જુઓ વિડીયો

પહાડ તૂટી પડતા લોકોમાં ભારે ગભરાટ: છેલ્લી ઘડીએ એક મોટો પથ્થર આડો આવી જતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ:વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી અને સ્થિતિ પર નજર

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં આવેલા ભવનગર વિસ્તારમાં આજે એક ભયાનક ભૂસ્ખલનની ઘટના નોંધાઈ છે, જેના કારણે નેશનલ હાઈવે-૫ (એનએચ-૫) પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અચાનક પહાડનો મોટો હિસ્સો રસ્તા પર ધસી પડતાં સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે છેલ્લી ઘડીએ એક મોટો પથ્થર આ કાટમાળ ની આડે આવી જતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. 

 

મળતી વિગતો મુજબ કિન્નૌરના ભવનગર પાસે અચાનક મોટી ભેખડ અને ખડકો ધસી પડ્યા હતા. વિશાળકાય પથ્થરો પત્તાના મહેલની જેમ નીચે પડતા જોવા મળ્યા હતા, જેના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ ભૂસ્ખલનને કારણે હાઇવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને અવરજવરને માઠી અસર પહોંચી છે.

વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા પ્રવાસીઓને અત્યંત સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. 

 

ખરાબ હવામાન અને પહાડી વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ઉત્તર ભારતના આ પર્વતીય વિસ્તારોમાં આવી કુદરતી આફતો વારંવાર મોટા પડકારો ઊભા કરી રહી છે. હાલમાં કાટમાળ હટાવવાની અને રસ્તો સુરક્ષિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. 

 

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વહીવટીતંત્ર દ્વારા સ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ફસાયેલા લોકોને મદદ પહોંચાડવા માટે તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.

(10:56 AM IST)