તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
હિમાલયની કારાકોરમ રેન્જમાં ભયાનક ભૂસ્ખલન અને હિમતોફાન: વિશ્વવિખ્યાત પર્વતારોહક નિર્મલ પુરજા સહિત ૬ ક્લાઇમ્બર્સ ગુમ, ૪ શ્રમિકોના કરૂણ મોત!
૮,૦૪૭ મીટર ઊંચા 'બ્રોડ પીક' પર આકાશી આફત ત્રાટકી; ગિલગિત-બાલ્ટિસ્તાનમાં નેટફ્લિક્સ ફેમ 'નિમ્સ' પુરજાના જીપીએસ ડિવાઇસમાંથી લોકેશન બદલાતાં રેસ્ક્યૂ ટીમની આશા જીવંત

ઇસ્લામાબાદ : પાકિસ્તાન ગેરકાયદેસર કબ્જો ધરાવતા ગિલગિત-બાલ્ટિસ્તાનમાં આવેલા કારાકોરમ પર્વતમાળાના વિશ્વના ૧૨મા સૌથી ઊંચા 'બ્રોડ પીક' (Broad Peak - ૮,૦૪૭ મીટર/૨૬,૪૦૦ ફૂટ) પર એક અત્યંત કાળજું કંપાવનારી કુદરતી આપત્તિ સર્જાઈ છે. પર્વતમાળાના શિખર તરફ આગળ વધી રહેલા આંતરરાષ્ટ્રીય પર્વતારોહકોના સમૂહ પર અચાનક ત્રાટકેલા પ્રચંડ હિમતોફાન અને ભયાનક ભૂસ્ખલન (Avalanche & Landslide) ના કારણે નેપાળી મૂળના વિશ્વવિખ્યાત બ્રિટિશ ક્લાઇમ્બર નિર્મલ 'નિમ્સ' પુરજા સહિત ૬ વિદેશી પર્વતારોહકો ગુમ થઈ ગયા છે.
૮,૦૪૭ મીટરની ઊંચાઈએ કાળનો પંજો: ૪ પર્વતારોહકોના મૃતદેહ મળ્યા
પાકિસ્તાન અલ્પાઇન ક્લબ (Pakistan Alpine Club) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, પર્વતારોહકોની આંતરરાષ્ટ્રીય ટીમ જ્યારે બ્રોડ પીકના શિખર તરફ વિજય કૂચ કરી રહી હતી, ત્યારે જ ગુરુવારે બપોરના સમયે પ્રચંડ ભૂસ્ખલન અને હિમવર્ષા ત્રાટકી હતી. આ દુર્ઘટનામાં ૪ પર્વતારોહકોના કરૂણ મોત નીપજ્યા છે અને શુક્રવારે રેસ્ક્યૂ ટીમને ૪ મૃતદેહો મળી આવ્યા છે, જેમના શિનાખ્તની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય ટીમના ૬ દિગ્ગજો ગુમ: કોણ કોણ સામેલ હતું?
આ આંતરરાષ્ટ્રીય એક્સપિડિશનમાં નેપાળી ક્લાઇમ્બર્સ ઉપરાંત, બ્રિટિશ-નેપાળી માઉન્ટેનિયર નિર્મલ પુરજા, પાકિસ્તાનના સોહલ સાખી, ઓમાનના નથીરા, અમેરિકન ક્લાઇમ્બર મૈલોરી ગીસ અને ચીનના વાંગ એક સહિતના સાહસિકો સામેલ હતા. હાલ આ ટીમના છ જેટલા સભ્યો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને સર્ચ ઓપરેશન ચાલુ કરાયું છે.
નિર્મલ 'નિમ્સ' પુરજાના ટ્રેકિંગ ડિવાઇસથી આશાનું કિરણ
દુર્ઘટના બાદ ભલે ટીમનો સંપર્ક કપાઈ ગયો હોય, પરંતુ નેટફ્લિક્સની ચર્ચિત ડોક્યુમેન્ટ્રી '14 Peaks: Nothing Is Impossible' ના મહાનાયક અને માત્ર ૧૮૯ દિવસમાં દુનિયાના તમામ ૧૪ સૌથી ઊંચા શિખરો સર કરવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતા નિર્મલ પુરજા પાસે રહેલા જીપીએસ સાટેલાઇટ ટ્રેકિંગ ડિવાઇસમાં સતત ચળવળ નોંધાઈ રહી છે. તેમના બિઝનેસ પાર્ટનર અને નેપાળના સાંસદ મિંગમા ગ્યાબુ શેરપાએ પુષ્ટિ કરી છે કે ભૂસ્ખલન બાદ પણ ડિવાઇસનું ગ્લોબલ લોકેશન બદલાઈ રહ્યું છે, જે એ વાતનો સંકેત છે કે બચાવ ટીમ તેમને જીવંત બહાર કાઢી શકશે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
