તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
વૈશ્વિક યુદ્ધના ભયાનક એંધાણ: ઈરાન સંકટ વચ્ચે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર તેહરાન દોડ્યા, તો પીએમ શાહબાઝ શરીફ અચાનક ચીન કેમ પહોંચ્યા?
અમેરિકા અને ઈરાન વચ્ચે વિસ્ફોટક સ્થિતિ સર્જાતા મધ્ય-પૂર્વમાં ભારે તણાવ; ઇવાન્કા ટ્રમ્પની હત્યાના કાવતરાનો પર્દાફાશ થતાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ તમામ સપ્તાહના કાર્યક્રમો રદ કર્યા

ઇસ્લામાબાદ: મધ્ય-પૂર્વ (Middle East)માં સર્જાયેલી યુદ્ધની ભયાનક સ્થિતિ અને અમેરિકા-ઈરાન વચ્ચેના વધતા જતા સંગ્રામ વચ્ચે વૈશ્વિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. એક તરફ ઈરાન પર અમેરિકાના સંભવિત હુમલાના જોખમ વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર તાબડતોબ ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પણ શનિવારે ઉતાવળમાં ચીનની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે રવાના થઈ ગયા છે. પાકિસ્તાનના આ બંને ટોચના નેતાઓની આ પ્રકારની હિલચાલને કારણે વૈશ્વિક સ્તરે અનેક તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે અને આને એક મોટા રાજદ્વારી ગતિરોધના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
આર્મી ચીફ અસીમ મુનીરે તેહરાનમાં ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી સાથે પ્રાદેશિક તણાવ અને સુરક્ષા બાબતો પર બંધ બારણે ગંભીર ચર્ચા કરી છે. અમેરિકા સાથે ગમે ત્યારે શાંતિ કરાર થઈ શકે છે અથવા જો વાત બગડશે તો અમેરિકા ઈરાન પર કોઈ મોટો હુમલો કરી શકે છે તેવી અટકળો તેજ બની છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વીકએન્ડના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે, અને તેઓ પોતાના પુત્રના લગ્નમાં પણ હાજર રહી શક્યા નથી. આ દરમિયાન એક આંચકાજનક અહેવાલ એવા પણ સામે આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યા કરવાનું એક ભયાનક આંતરરાષ્ટ્રીય કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેના તાર ઈરાનની ઇસ્લામિક ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલા હોવાનું મનાય છે. વર્ષ ૨૦૨૦માં બગદાદમાં અમેરિકા દ્વારા માર્યા ગયેલા જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ઇરાકના વતની સાદી નામના શંકાસ્પદ શખ્સે આ કાવતરું ઘડ્યું હતું, જેની હાલ તુર્કીમાંથી ધરપકડ કરી લેવાઈ છે.
શાહબાઝ શરીફની ચીન યાત્રા પાછળનું અસલી કારણ શું?
આ મહાસંકટ વચ્ચે પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ ચીનના હાંગઝોઉ શહેરમાં પહોંચ્યા છે. સત્તાવાર રીતે આ મુલાકાત ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) ના બીજા તબક્કાના પ્રોજેક્ટ્સ, આર્થિક રોકાણ અને અલીબાબાના મુખ્યાલયની મુલાકાત માટે હોવાનું કહેવાય છે, પરંતુ પડદા પાછળની વાર્તા કંઈક અલગ જ ઈશારો કરે છે. પાકિસ્તાની અખબાર 'ડોન' ના જણાવ્યા અનુસાર, ચીન પ્રવાસ દરમિયાન પીએમ શરીફ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે યુએસ-ઈરાન સંઘર્ષ મુદ્દે ખૂબ જ મહત્વની વ્યૂહાત્મક ચર્ચા કરવાના છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ પણ સ્વીકાર્યું છે કે, પાકિસ્તાન અને ચીન મધ્ય-પૂર્વની સ્થિતિ પર સતત સંપર્કમાં છે અને બંને દેશોએ આ સંદર્ભમાં 'પાંચ-મુદ્દાના સિદ્ધાંત' પર સંમતિ સાધી સંયુક્ત નિવેદન પણ જાહેર કર્યું છે. આ મુલાકાત માત્ર આર્થિક કરારો કે આઈટી અને કૃષિ ક્ષેત્ર પૂરતી સીમિત નથી, પરંતુ જ્યારે અમેરિકા મધ્ય-પૂર્વમાં નવા સૈન્ય હુમલાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન અને ચીન પોતાના વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરી પ્રાદેશિક સંતુલન જાળવવા માટે આ બેઠક યોજી રહ્યા છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના ૭૫ વર્ષના રાજદ્વારી સંબંધોની અતૂટ શક્તિને પુનઃપ્રતિપાદિત કરશે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
