<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

પાકિસ્તાનમાં ‘અજાણ્યા શખ્સો’નો આતંક: હવે હિઝબુલ કમાન્ડર સજ્જાદ અહેમદ ખતમ, આતંકી આકાઓમાં ફફડાટ

ઇસ્લામાબાદમાં ઘૂસીને હિઝબુલના ટોચના કમાન્ડરને ઠાર મરાયો: જૈશ અને લશ્કરના આતંકીઓ બાદ હવે હિઝબુલનો વારો : પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ લાચાર

ઇસ્લામાબાદ:  પાકિસ્તાનની ધરતી પર આશ્રય લઈ રહેલા ભારત વિરોધી આતંકવાદીઓ માટે અત્યારે જાણે 'મૃત્યુનો કાળ' ભમી રહ્યો છે. શુક્રવારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક અત્યંત હિંમતભર્યા ઓપરેશનમાં અજાણ્યા હુમલાખોરોએ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સજ્જાદ અહેમદની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ૧૯૯૭થી આતંકી નેટવર્ક સાથે જોડાયેલો સજ્જાદ કાશ્મીરમાં અનેક આતંકી ગતિવિધિઓનો માસ્ટરમાઈન્ડ રહ્યો હતો. આ ઘટનાએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને ત્યાંના આતંકી સંગઠનોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે સુરક્ષિત ગણાતા ઇસ્લામાબાદમાં ઘૂસીને આ હત્યા કરવામાં આવી છે.

તાજેતરના દિવસોમાં પાકિસ્તાનમાં આ પ્રકારની રહસ્યમય હત્યાઓનો સિલસિલો તેજ બન્યો છે. માત્ર બે દિવસ પહેલા જ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના અત્યંત નજીકના સાથી સલમાન અઝહરનું એક શંકાસ્પદ વાહન અકસ્માતમાં મોત થયું હતું. આ સિવાય ખૈબર પખ્તુનખ્વામાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીને પણ અજાણ્યા બંદૂકધારીઓએ નિશાન બનાવ્યો હતો. વર્ષ ૨૦૧૯ પછી અત્યાર સુધીમાં અંદાજે ૨૦થી વધુ હાઈ-પ્રોફાઈલ આતંકવાદીઓ 'અજાણ્યા હુમલાખોરો' દ્વારા માર્યા ગયા છે. આ હુમલાખોરો કોણ છે અને તેમની પાસે આટલી સચોટ માહિતી ક્યાંથી આવે છે, તે પાકિસ્તાન માટે એક વણઉકેલ્યો કોયડો બની ગયો છે.

પાકિસ્તાનમાં હજુ પણ હજારો આતંકવાદીઓ સક્રિય છે અને લશ્કર તેમજ જૈશ જેવા સંગઠનો ગિલગિટ અને પીઓકે (PoK) માં ટ્રેનિંગ કેમ્પ ચલાવી રહ્યા છે. પરંતુ જે રીતે એક પછી એક ટોચના કમાન્ડરોનો ખાતમો થઈ રહ્યો છે, તેનાથી આતંકી આકાઓ હવે સાર્વજનિક સ્થળોએ ફરતા પણ ડરી રહ્યા છે. પાકિસ્તાન સરકાર આ હત્યાઓ પર મૌન સેવી રહી છે અથવા તપાસના નામે હાથ અધ્ધર કરી રહી છે. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો માને છે કે આ 'ક્લીન-અપ' ઓપરેશનને કારણે પાકિસ્તાનમાં આતંકી નેટવર્કની કમર તૂટી રહી છે અને તેમની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઊડી રહ્યા છે.

(8:24 PM IST)