<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકી હુમલો :પરપ્રાંતીય મજૂરોને નિશાન બનાવ્યા :ગોળીબારમાં એક મજૂરનું મોત ;અન્ય એક મજુર ગંભીર

પરપ્રાંતીય મજૂરો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો: કાયરતાપૂર્ણ હુમલામાં બે બિન-કાશ્મીરી મજૂરોને ગંભીર ઇજા:સારવાર દરમિયાન એક મજૂરનું મોત

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ પરપ્રાંતીય મજૂરોને નિશાન બનાવી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ કાયરતાપૂર્ણ હુમલામાં બે બિન-કાશ્મીરી મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાંથી સારવાર દરમિયાન એક મજૂરનું મોત નીપજ્યું છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને આતંકીઓની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ અત્યંત કાયરતાપૂર્ણ હુમલો કરી ફરી એકવાર નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા છે. કેલ્લમ વિસ્તારમાં થયેલા આ હુમલામાં બે બિન-સ્થાનિક મજૂરો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક મજૂરનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત મજૂરને સારવાર માટે જીએમસી અનંતનાગ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર સુરક્ષા તંત્ર હરકતમાં આવી ગયું છે અને સુરક્ષાબળોએ આતંકીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારને ચારેય બાજુથી ઘેરીને મોટા પાયે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

આ ભયાનક હુમલાની ગંભીર નોંધ લેતા ડીજીપી નલિન પ્રભાતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને આખી ઘટનાથી વાકેફ કર્યા છે. એલજી મનોજ સિન્હાએ આતંકીઓ સામે કડક વલણ અપનાવતા સુરક્ષાદળોને જવાબદાર આતંકવાદીઓનો વહેલી તકે ખાત્મો કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આ અમાનવીય કૃત્યની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે રોજી-રોટી કમાવવા આવેલા બેકસૂર મજૂરની હત્યા અતિ નિંદનીય છે. આ હુમલો કાશ્મીરની સદીઓ જૂની મહેમાનગતિ અને ભાઈચારાની પરંપરા પર સીધો પ્રહાર છે, અને આ કૃત્યમાં સંડોવાયેલા એકેએક ગુનેગારને કડકમાં કડક સજા મળવી જોઈએ જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

બીજી બાજુ, શાંતિ ડહોળવા માટે પાકિસ્તાન સતત પોતાની નાપાક હરતોને અંજામ આપી રહ્યું છે. કુલગામ હુમલાની સાથે જ જમ્મુના ખૌડ સેક્ટરમાં ભારતીય સેનાએ સરહદ નજીક ઉડી રહેલા ચીની બનાવટના એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ અત્યાધુનિક ડ્રોનની તપાસ દરમિયાન તેમાંથી એક 64GBનું મેમરી કાર્ડ મળી આવ્યું છે, જેમાં LoC નજીક તૈનાત ભારતીય સેનાના મહત્વપૂર્ણ ઠેકાણાઓ અને સંવેદનશીલ વિસ્તારોની તસવીરો તથા વીડિયો મળી આવ્યા છે. હાલ સેના ડ્રોન અને મેમરી કાર્ડની ઊંડાણપૂર્વક ટેકનિકલ તપાસ કરી રહી છે, જે સાબિત કરે છે કે પાકિસ્તાન સતત સરહદ પારથી જાસૂસી અને અશાંતિ ફેલાવવાની ષડયંત્ર ઘડી રહ્યું છે.

(11:00 PM IST)