તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
કુલગામમાં પ્રવાસી શ્રમિકો પર થયેલા આતંકી હુમલાનો પર્દાફાશ: પાકિસ્તાની આકાઓના ઈશારે સ્થાનિક આતંકી લતીફે આપ્યો હતો અંજામ, NIAની ચાર્જશીટમાં સનસનાટીભર્યા ખુલાસા!
LeT અને TRFના નેટવર્કથી રચાયું હતું ટાર્ગેટેડ કિલીંગનું કાવતરું; AK-47 અને પિસ્તોલના ફોરેન્સિક પુરાવાએ ખોલી પાકિસ્તાની હેન્ડલર સજ્જાદ જટ્ટ અને મોહમ્મદ લતીફની પોલ

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં પ્રવાસી શ્રમિકો પર થયેલા કાયરતાપૂર્ણ ફાયરિંગ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા કરવામાં આવેલી ઊંડી તપાસ બાદ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી કનેક્શનનો મોટો પર્દાફાશ થયો છે. આ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં ખુલાસો થયો છે કે આ હુમલો એક સુઆયોજિત 'ટાર્ગેટેડ એટેક' હતો અને તેને સરહદ પાર બેઠેલા પાકિસ્તાની આકાઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહ્યો હતો.
પાકિસ્તાની સંગઠન TRF અને મોહમ્મદ લતીફનો મુખ્ય હાથ
સૂત્રો અને એજન્સીના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા (LeT)ના ઓફશૂટ 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF)એ આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. આ કેસનો મુખ્ય શંકાસ્પદ આતંકી મોહમ્મદ લતીફ છે, જે મૂળ કુલગામનો જ વતની છે. LeTમાં જોડાયા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને માર્યા ગયેલા આતંકી કમાન્ડર ઝાકિર ગનઈનો અત્યંત નજીકનો સહયોગી બની ગયો હતો. ઝાકિર ગનઈ જુલાઈ માસમાં સૈન્ય ટુકડી સાથેની અથડામણમાં માર્યો ગયો હતો, ત્યારબાદ લતીફ ઘેરાબંધીમાંથી ભાગી છૂટ્યો હતો.
ફોરેન્સિક પુરાવા અને AK-47 રાયફલ પરથી ફાટ્યો ભાંડો
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, લતીફે અનંતનાગમાં થયેલા અગાઉના ટાર્ગેટેડ હુમલામાં જે ખાસ AK-47 રાયફલનો ઉપયોગ કર્યો હતો, તેના ફોરેન્સિક પુરાવા અને કુલગામની ઘટનાસ્થળેથી મળેલી કડીઓ એકબીજા સાથે મેળ ખાય છે. પોતાની સક્રિયતા બતાવવા માટે લતીફે આ હુમલો કર્યો હતો. જોકે, કુલગામમાં 'હિટ એન્ડ રન' ઓપરેશન પાર પાડવા માટે તેણે વ્યૂહરચના બદલીને નાની અને સરળતાથી છુપાવી શકાય તેવી પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો.
રાત્રે ઓળખપત્ર ચેક કરીને નજીકથી ગોળીબાર કર્યો
બનાવની રાત્રે આશરે ૮:૩૦ વાગ્યે મોહમ્મદ લતીફ તેના એક અન્ય સાથી સાથે બાઇક પર આવ્યો હતો અને કેલન ગામમાં આવેલા એક ઇંટના ભઠ્ઠા પર રોકાયેલા ગરીબ પ્રવાસી શ્રમિકો પાસે પહોંચ્યો હતો. આતંકીઓએ શ્રમિકોના ઓળખપત્રો ચકાસ્યા હતા અને ત્યારબાદ અત્યંત નજીકથી તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
પાકિસ્તાની માસ્ટરમાઇન્ડ સજ્જાદ જટ્ટનું કનેક્શન
સૈન્ય અને NIAની તપાસમાંથી સ્પષ્ટ થયું છે કે સમગ્ર ફાયરિંગનો માસ્ટરપ્લાન સરહદ પાર બેઠેલા LeTના સિનિયર પાકિસ્તાની હેન્ડલર સજ્જાદ જટ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. દક્ષિણ કાશ્મીરમાં અગાઉ થયેલી કેટલીય ટાર્ગેટેડ હત્યાઓ સાથે પણ સજ્જાદ જટ્ટનું સીધું કનેક્શન ખૂલ્યું છે. હાલ તો NIAએ મજબૂત પુરાવાઓ સાથે ચાર્જશીટ રજૂ કરી આ આતંકી નેટવર્કનો પર્દાફાશ કરી દીધો છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
