તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓનો ખૂની ખેલ, ડીએસપી અને સબ-ઇન્સ્પેક્ટર સહિત ૧૦ પોલીસકર્મીઓ થયા શહીદ
ગેરકાયદેસર સોનાના ખાણકામ સામે દરોડા પાડવા જઈ રહેલા કાફલા પર પહાડો પરથી અંધાધૂંધ ગોળીબાર, પાંચ પોલીસ વાહનો ફૂંકી માર્યા

કોહાટ (પાકિસ્તાન) : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બુધવારે આતંકવાદીઓએ પોલીસ કાફલાને નિશાન બનાવીને અત્યંત ભીષણ અને લોહિયાળ હુમલો કર્યો છે. ગેરકાયદેસર સોનાના ખાણકામ સામે કાર્યવાહી કરવા માટે જઈ રહેલી પોલીસ ટીમ પર આતંકવાદીઓએ ઓચિંતી ઘાત લગાવીને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) અને એક સબ-ઇન્સ્પેક્ટર સહિત ઓછામાં ઓછા ૧૦ પોલીસકર્મીઓના મોત નીપજ્યા છે. આ બેક-ટુ-બેક હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો અને ડરનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસ પ્રવક્તા મોહમ્મદ નૌમાન ઝેબના જણાવ્યા અનુસાર, પોલીસ ટીમ કોહાટ જિલ્લાના ગુમ્બત વિસ્તાર તરફ આગળ વધી રહી હતી ત્યારે કોહાટ અને કરક જિલ્લાઓની સરહદે આવેલા દરબોકચ જલંધર બંદા વિસ્તારમાં પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ પહાડીઓ પરથી હુમલો શરુ કર્યો હતો. હુમલાખોરોએ પોલીસ વાહનો પર આડેધડ ગોળીબાર કરવા ઉપરાંત પાંચ મોબાઇલ પોલીસ વાહનોને આગ ચાંપીને સંપૂર્ણપણે નાશ કર્યો હતો. આ દુર્ઘટનામાં ડીએસપી ગુમ્બત હૈદર ઝમાન અને સબ-ઇન્સ્પેક્ટર મુખ્તિયાર પોતાના કર્તવ્યનું પાલન કરતા શહીદ થયા છે.
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે વધારાની સુરક્ષા ફોર્સ અને વધારાના પોલીસ વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા, જેના પગલે પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે લાંબી અને ભીષણ અથડામણ ચાલી હતી. આ ગંભીર ઘટનાની આકરી નિંદા કરતા ખૈબર પખ્તુનખ્વાના ગવર્નર ફૈઝલ કરીમ કુંડીએ તેને ગુનાહિત તત્વો અને આતંકવાદીઓની સાંઠગાંઠનું પરિણામ ગણાવ્યું હતું, તેમજ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
આ પ્રદેશમાં વધતી જતી આતંકવાદી ગતિવિધિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા પર્વતીય વિસ્તારોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન અને સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ કાફલા પર થયેલા આ ઘાતક હુમલા બાદ પાકિસ્તાની સુરક્ષા તંત્રની નબળાઈઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે, ત્યારે આગામી સમયમાં આતંકવાદીઓ વિરુદ્ધ કડક સૈન્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
