<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

મુંબઈના શિવાજી પાર્ક ખાતે ઠાકરે બંધુઓની ભવ્ય વિજય રેલી યોજાઈ : એ. આર. રહેમાનના રાષ્ટ્રભક્તિના ગીતો અને તિરંગા સાથે હજારો યુવાનો ઉમટી પડ્યા : જુઓ વિડીયો

નીટ પેપર લીક વિવાદમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિરોધ પ્રદર્શન વિજય ઉત્સવમાં ફેરવાયું : રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ મંચ પરથી યુવા શક્તિના વિજયને બિરદાવ્યો

મુંબઈ: નીટ (NEET) પેપર લીક પ્રકરણ બાદ દેશભરના વિદ્યાર્થીઓ અને સીજેપી (CJP) દ્વારા કરવામાં આવેલા વિરોધને પગલે ગત ૨૫ જુલાઈના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા પૂર્વે મુંબઈના શિવાજી પાર્કથી સિદ્ધિવિનાયક સુધી મોરચો કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ રાજીનામા બાદ તેને વિજય મોરચામાં ફેરવીને શિવાજી પાર્ક ખાતે ભવ્ય વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય સભામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એકસાથે સ્ટેજ પર ઉપસ્થિત રહીને યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. શિવાજી પાર્ક તરફ જતા તમામ રસ્તાઓ જનમેદનીથી ઊભરાઈ ગયા હતા અને હાથમાં તિરંગા સાથે યુવાનો એ. આર. રહેમાનના દેશભક્તિ ગીત 'વંદે માતરમ' પર ઝૂમી ઉઠ્યા હતા.

 

 ડિજિટલ યુગના યુવાનોએ રસ્તા પર ઉતરીને કેન્દ્ર સરકારને ઝુકાવી - રાજ ઠાકરે:

જનમેદનીને સંબોધતા મનસે પ્રમુખ રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, આખા દેશમાં સળગેલી આંદોલનની જ્વાળાને આખરે સફળતા મળી છે. તેમણે ઉમેર્યું કે દેશની નવી પેઢીએ (Gen-Z) પોતાના આંદોલન થકી સરકારને ઝુકાવી દીધી છે. મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસ વચ્ચેનો તફાવત હવે લોકોને સમજાઈ ગયો છે તેમ કહી તેમણે સમગ્ર તંત્રનો આભાર માન્યો હતો. આ પ્રસંગે મનસે નેતા અમિત ઠાકરેએ શિવાજી પાર્કની જનમેદની સામે મંચ પર શીશ નમાવીને યુવાનોનું અભિવાદન કર્યું હતું. વિજય સભા બાદ રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે, શ્રીમતી શર્મિલા ઠાકરે, શ્રીમતી રશ્મિ ઠાકરે અને સંજય રાઉતે બાલકનીમાંથી ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.

 

 કોઈ પક્ષની ચૂંટણી જીત નથી, પરંતુ અંધભક્તો સામે દેશભક્તોની જીત છે - ઉદ્ધવ ઠાકરે:

સભાને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, આ કોઈ રાજકીય પક્ષની કે ચૂંટણીની જીત નથી, પરંતુ અંધભક્તો સામે દેશભક્તોનો વિજય છે. આ સંઘર્ષની માત્ર શરૂઆત છે, જે ભાજપ વિરુદ્ધ ભારતનો સંઘર્ષ બની રહ્યો છે અને જેમાં તમામ લોકો જાતિ, ધર્મ ભૂલીને 'હું ભારતીય છું' કહીને જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, કેન્દ્રીય મંત્રીઓ પક્ષો તોડવામાં વ્યસ્ત રહેવાને બદલે દેશના કામમાં ધ્યાન આપે. નીટ કૌભાંડમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારજનોની વેદના તરફ સરકારે ધ્યાન આપવું જોઈતું હતું. યુવાનોએ દેશના સુવર્ણ ઇતિહાસનું એક નવું પાનું લખ્યું છે અને તેમની આ એકતા ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાશે.

(2:11 PM IST)