તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
વ્યાપક પૂરને કારણે થાઈલેન્ડની રાજધાની બેંગકોક 'આપત્તિગ્રસ્ત વિસ્તાર' જાહેર: મુશળધાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન બન્યા, જનજીવન ભારે પ્રભાવિત
48 કલાકમાં 12 ઇંચ વરસાદથી કમર સુધીના પાણી ભરાયા; સેના દ્વારા આશ્રયસ્થાનો અને રસોડા શરૂ કરાયા, નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સુવર્ણભૂમિ એરપોર્ટના મુસાફરોને સમયસર નીકળવા અપીલ

બેંગકોક : થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી જળબંબોળની સ્થિતિ બાદ ગવર્નરે સમગ્ર શહેરને 'આપત્તિગ્રસ્ત વિસ્તાર' જાહેર કર્યો છે. છેલ્લા 48 કલાક દરમિયાન શહેરમાં લગભગ 300 મિમી (12 ઇંચ) જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે, જેના પગલે મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક જગ્યાએ કાર અંશતઃ ડૂબેલી જોવા મળી રહી છે અને લોકોને કમર સુધીના પાણીમાંથી પસાર થવાની નૌબત આવી છે. હવામાન વિભાગે સપ્તાહના અંતે વધુ વાવાઝોડા અને વરસાદની આગાહી કરતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
બેંગકોકના ગવર્નર ચાદચાર્ટ સિટ્ટીપુન્ટે સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આપત્તિ નાગરિકોના જીવન માટે મોટું જોખમ ઊભું કરી રહી છે અને તેનાથી જાહેર તેમજ ખાનગી સંપત્તિને ભારે નુકસાન પહોંચવાની ભીતિ છે. ખાસ કરીને નહેરો અને જળાશયોની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ વધુ વિકટ બની છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના મેદાનમાં ઉતરી છે અને રાહત કામગીરીના ભાગરૂપે કટોકટીના ધોરણે આશ્રયસ્થાનો તેમજ ચાલતા-ફરતા રસોડા (ફિલ્ડ કિચન) શરૂ કરવામાં આવ્યા છે. બેંગકોક મેટ્રોપોલિટન એડમિનિસ્ટ્રેશને તમામ શાળાઓને રાહત શિબિરોમાં ફેરવી દીધી છે.
સરકાર દ્વારા ખાસ કરીને નીચાણવાળા અને નહેરો નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક પોતાનો કિંમતી સામાન ઊંચાણવાળા સ્થળોએ ખસેડી લેવા કટોકટીની સૂચનાઓ આપવામાં આવી છે. આ ગભરાટ વચ્ચે સુપરમાર્કેટ્સમાં જરૂરી ચીજવસ્તુઓ અને ખોરાકનો સંગ્રહ કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે અચાનક પૂર આવવાના કારણે તેમને સંભાળવાનો કે સુરક્ષિત સ્થળે ખસવાનો પૂરતો સમય મળ્યો નહોતો, જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે.
જોકે, બેંગકોકનું મુખ્ય સુવર્ણભૂમિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાલ સામાન્ય રીતે કાર્યરત છે, પરંતુ પ્રવાસન સત્તાવાળાઓએ તમામ પ્રવાસીઓ અને ફ્લાઇટના મુસાફરોને ટ્રાફિક અને પૂરના પાણીને ધ્યાનમાં રાખીને મુસાફરી માટે વધારાના બેથી ત્રણ કલાક વહેલા નીકળવાની ખાસ સલાહ આપી છે. નોંધનીય છે કે આ અગાઉ દક્ષિણી પ્રાંતોમાં આવેલા ભયાનક પૂરમાં 145થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે હાલ તંત્ર વધુ જાનહાનિ રોકવા માટે પૂર્ણ ક્ષમતા સાથે કામગીરી કરી રહ્યું છે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
