<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

થાઈલેન્ડની રાજધાની બેંગકોક પ્રચંડ ધડાકાથી ધ્રૂજી ઉઠ્યું: પૂર્વ વિસ્તારમાં આવેલા બેંગચાક ઓઇલ ડેપોમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળતા આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો

કાન ફાડી નાખે તેવા ધમાકાથી નજીકની ઈમારતોમાં અનુભવાઈ ધ્રુજારી, આકાશ કાળા ધુમાડાના ગોટેગોટાથી ઢંકાયું; બેંગના જિલ્લા પ્રશાસને હાઈ એલર્ટ જાહેર કરી નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આપી સૂચના, ફાયર ફાઈટરો દ્વારા આગ ઓલવવાના પ્રયાસો તેજ

બેંગકોક, તા. ૨૬:થાઈલેન્ડની રાજધાની બેંગકોકના પૂર્વ ભાગમાં આવેલા એક વિશાળ ઓઇલ ડેપોમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થતા ભીષણ આગ ફાટી નીકળી છે. દુર્ઘટના એટલી વિકરાળ છે કે આગની ઊંચી જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાઈ રહી છે અને સમગ્ર આકાશ ગાઢ કાળા ધુમાડાના ગોટેગોટાથી ઢંકાઈ ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને તાત્કાલિક અસરથી ડેપોની આસપાસના રહેણાંક વિસ્તારો ખાલી કરાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.

ઘટનાસ્થળની આસપાસ હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, થાઈલેન્ડની અગ્રણી ઊર્જા કંપની 'બેંગચાક કોર્પોરેશન' દ્વારા સંચાલિત બેંગચાક ઓઇલ ડેપો (Bangchak Oil Depot) પરિસરમાંથી અચાનક કાન ફાડી નાખે તેવો જોરદાર ધડાકો સંભળાયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસની ઈમારતોમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી. ધમાકાની ગણતરીની મિનિટોમાં જ ડેપોમાંથી આગની વિકરાળ જ્વાળાઓ આકાશ તરફ ઉઠવા લાગી હતી અને જોતજોતામાં કાળા ધુમાડાની ચાદરે સમગ્ર વિસ્તારને પોતાની લપેટમાં લઈ લીધો હતો.

આ દુર્ઘટના બાદ બેંગના જિલ્લા કાર્યાલય (Bang Na District Office) દ્વારા સત્તાવાર ફેસબુક પેજ પર તાત્કાલિક ચેતવણી જાહેર કરવામાં આવી છે. પ્રશાસને ડેપોમાં વિસ્ફોટ થયો હોવાની પુષ્ટિ કરતા સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઘર છોડીને સુરક્ષિત સ્થળે ખસી જાય.

દુર્ઘટનાની જાણ થતા જ બેંગકોકના વિવિધ ફાયર સ્ટેશનો પરથી ફાયર ફાઈટરની ગાડીઓ અને એમ્બ્યુલન્સનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. સમગ્ર વિસ્તારમાં ઈમરજન્સી વાહનોના સાયરન ગુંજી ઉઠ્યા છે અને ફાયર વિભાગના જવાનો આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણી અને ફોમનો મારો ચલાવી રહ્યા છે. હાલના તબક્કે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી, જ્યારે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ આગ ઓલવાયા બાદ તપાસમાં બહાર આવશે.

(5:31 PM IST)