<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

તમિલનાડુમાં 'થલપથિ' વિજયનો શંખનાદ: રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, દ્રવિડિયન પક્ષોના દાયકાઓ જૂના શાસનનો અંત!

TVK બની સૌથી મોટી પાર્ટી: મુખ્યમંત્રી પદેથી એમ.કે. સ્ટાલિનનું રાજીનામું, હવે ચેન્નાઈના સિંહાસન પર બેસશે સુપરસ્ટાર વિજય?

ચેન્નાઈ: તા.૦૬ તમિલનાડુના રાજકારણમાં આજે એક નવો ઈતિહાસ રચાયો છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) એ વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ પ્રદર્શન કરીને રાજ્યના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. TVK ચીફ વિજયે આજે રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી હતી અને રાજ્યમાં આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
બહુમતી માટે માત્ર ૧૦ બેઠકોનું છેટું
તાજેતરના ચૂંટણી પરિણામોમાં TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. જોકે, ૧૧૮ બેઠકોના બહુમતીના આંકડા સુધી પહોંચવા માટે વિજયને હજુ ૧૦ વધુ બેઠકોની જરૂર છે. આ સ્થિતિમાં કોંગ્રેસની ભૂમિકા મહત્વની બની રહેશે. કોંગ્રેસે આ ચૂંટણીમાં ૫ બેઠકો જીતી છે. કોંગ્રેસના તમિલનાડુ પ્રભારી ગિરીશ ચોડનકરે સંકેત આપ્યો છે કે તેઓ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે 'બિનસાંપ્રદાયિક સરકાર'ને ટેકો આપી શકે છે. વિજય હવે અપક્ષો અને અન્ય નાના પક્ષોનો સાથ મેળવવા માટે કવાયત કરી રહ્યા છે.
DMK અને AIADMK ના વર્ચસ્વનો અંત
દાયકાઓથી તમિલનાડુમાં DMK અને AIADMK વચ્ચે જ સત્તાની ખેંચતાણ ચાલતી હતી, પરંતુ વિજયની એન્ટ્રીએ આ બંને ગઢ તોડી પાડ્યા છે. આ ચૂંટણીનો સૌથી મોટો ઉલટફેર કોલથુર બેઠક પર જોવા મળ્યો હતો, જ્યાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને TVK ના વી.એસ. બાબુએ પરાજય આપ્યો છે. હાર બાદ સ્ટાલિને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તમિલનાડુની જનતાએ હવે પરંપરાગત પક્ષોને બદલે એક નવા ચહેરા પર વિશ્વાસ મૂક્યો હોય તેમ જણાય છે.
હવે આગળ શું?
રાજ્યપાલે વિજયને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યા બાદ તેમણે ગૃહમાં પોતાની બહુમતી સાબિત કરવી પડશે. શું વિજય અન્ય પક્ષોને પોતાની સાથે જોડી શકશે? શું તમિલનાડુમાં હવે 'થલપથિ' યુગની શરૂઆત થશે? આ પ્રશ્નો અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ચેન્નાઈમાં અત્યારે વિજયના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

(4:41 PM IST)