<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

તમિલનાડુમાં ‘થલાપતિ' વિજયની સુનામીઃ સ્‍ટાલિનનો ગઢ ધ્‍વસ્‍તઃ રાહુલને ઝટકો

ચેન્નાઈમાં વિજય ઉત્‍સવની તૈયારીઓઃ ૧૦૭ બેઠકો પર આગળ નીકળીને સત્તાના દ્વારે પહોંચીઃ વર્ષોથી ડીએમકે અને એઆઈએડીએમકે વચ્‍ચે વહેંચાયેલા રાજકારણને સુપરસ્‍ટારે એક જ ઝાટકે હચમચાવી દીધું ૨૩૪ બેઠકો પર TVK એ સર્જ્‍યો જબરદસ્‍ત ઉલટફેરઃ ડીએમકેના કાર્યાલય પરથી તંબુઓ હટયા અને યુવા મતદારોના પ્રચંડ જુવાળ વચ્‍ચે તમિલનાડુમાં એક નવા રાજકીય યુગનો ઉદય

ચેન્નાઈ, તા.૪: તમિલનાડુની રાજકીય પિચ પર આ વખતે કોઈ પટકથા નહીં, પણ વાસ્‍તવિક ઈતિહાસ લખાઈ રહ્યો છે. શિસ્‍તબદ્ધ અભિનેતામાંથી પ્રખર રાજનેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્ટાઈ કઝગમ એ પ્રારંભિક વલણોમાં ૧૦૬થી વધુ બેઠકો પર લીડ મેળવીને સ્‍થાપિત હિતોના સમીકરણો વેરવિખેર કરી દીધા છે. દાયકાઓથી ચાલી આવતી ડીએમકે અને એઆઈએડીએમકે વચ્‍ચેની મ્‍યુઝિકલ ચેરની રમત હવે પૂર્ણતાના આરે હોય તેમ જણાય છે. વિજયના નિવાસસ્‍થાને દક્ષિણની સુપરસ્‍ટાર ત્રિશા કળષ્‍ણનની મુલાકાતે આ વિજયી માહોલમાં ગ્‍લેમર સાથે ગંભીર રાજકીય ચર્ચાઓના વંટોળ જન્‍માવ્‍યા છે.

ચૂંટણીના આંકડાકીય જંગમાં એસપીએ (સેકયુલર પ્રોગ્રેસિવ એલાયન્‍સ) ને મોટો ફટકો પડ્‍યો છે. સત્તાધારી ડીએમકે ગઠબંધન માત્ર ૫૭ બેઠકો પર સમેટાઈ રહ્યું હોય તેવા સંકેતો મળતા જ ચેન્નાઈ સ્‍થિત પાર્ટી મુખ્‍યાલય અન્ના અરિવલયમ ખાતે સન્નાટો છવાઈ ગયો છે અને વિજય ઉત્‍સવ માટેના પંડાલો ઉખેડી નાખવામાં આવ્‍યા છે. બીજી તરફ, એઆઈએડીએમકે-ભાજપ ગઠબંધન ૭૦ બેઠકો સાથે બીજા ક્રમે હોવા છતાં વિજયની આંધી સામે લાચાર દેખાઈ રહ્યું છે. બહુમતી માટે જરૂરી ૧૧૮ના જાદુઈ આંકડા તરફ TVK જે ઝડપે આગળ વધી રહી છે, તેણે વિરોધ પક્ષોની ઊંઘ ઉડાવી દીધી છે.

રસપ્રદ વાત એ છે કે, વિજયની વ્‍યૂહરચના માત્ર ભાષણો પૂરતી મર્યાદિત નથી. સંભવિત રિસોર્ટ પોલિટિક્‍સ અને તોડજોડની રાજનીતિથી બચવા માટે પાર્ટીએ મહાબલીપુરમમાં અગાઉથી જ કિલ્લેબંધી તેજ કરી દીધી છે. એક્‍ઝિટ પોલ્‍સમાં એક્‍સિસ માય ઇન્‍ડિયાની આગાહી સાચી પડતી દેખાઈ રહી છે, જેમાં યુવા પેઢી અને પ્રથમ વખત મતદાન કરનારાઓએ પરંપરાગત પક્ષોને નકારીને બદલાવના પક્ષમાં મહોર મારી છે. તમિલનાડુની જનતાએ સ્‍પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે મફતની લહાણી નહીં, પરંતુ મજબૂત અને સ્‍વચ્‍છ વિકલ્‍પ ઈચ્‍છે છે.

હવે સૌની નજર અંતિમ પરિણામો પર છે. જો TVK પોતાના દમ પર અથવા નાના પક્ષોના ટેકાથી સરકાર બનાવશે, તો તે ભારતીય રાજકારણમાં દક્ષિણના સિનેમા અને શક્‍તિના સમન્‍વયનો સૌથી મોટો અધ્‍યાય હશે. વિજયના સમર્થકોમાં ફટાકડા અને મીઠાઈઓનો દોર શરૂ થઈ ગયો છે, જ્‍યારે વિપક્ષી છાવણીઓમાં હારના કારણોનું વિશ્‍લેષણ અત્‍યારથી જ શરૂ થઈ ગયું છે. તમિલનાડુમાં થલાપતિનું રણશિંગું વાગી ચૂકયું છે અને તે આખા દેશના રાજકારણમાં પડઘાશે તે નિヘતિ છે.

(3:21 PM IST)