તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
થલાપતિ વિજયના નવરત્નોમાં ૨૯ વર્ષીય એસ. કીર્થનાનું તેજ: અસ્ખલિત હિન્દી બોલીને રાષ્ટ્રીય સ્તરે પક્ષનો ડંકો વગાડતી યુવા મંત્રીની જોરદાર ચર્ચા
શિવકાસી બેઠક પર પુરુષોનું ૭૦ વર્ષ જૂનું શાસન ઉખેડી ફેંકનારી પ્રથમ મહિલા ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ: દક્ષિણના રાજકારણમાં હિન્દી ભાષા દ્વારા પક્ષના વિસ્તરણનો નવો અભિગમ અપનાવતી કીર્થના બની આકર્ષણનું કેન્દ્ર

શિવકાસી: તમિલનાડુના રાજકારણમાં થલાપતિ વિજયના શપથ ગ્રહણ સાથે જ એક નવા યુગનો પ્રારંભ થયો છે, જેમાં સૌથી વધુ ધ્યાન ૨૯ વર્ષીય ધારાસભ્ય એસ. કીર્થનાએ ખેંચ્યું છે. વિરુધુનગર જિલ્લાની શિવકાસી બેઠક પરથી ઐતિહાસિક જીત મેળવનારી કીર્થનાએ આ મતવિસ્તારમાં છેલ્લા ૭૦ વર્ષથી ચાલ્યા આવતા પુરુષ નેતાઓના વર્ચસ્વને ખતમ કરી પ્રથમ મહિલા ધારાસભ્ય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ટીવીકે પક્ષના પ્રતિનિધિ તરીકે મેદાનમાં ઉતરેલી કીર્થનાને હવે વિજયના મંત્રીમંડળમાં સ્થાન મળતા તેની રાજકીય સફર વધુ તેજ બની છે.
એસ. કીર્થનાની સૌથી મોટી વિશેષતા તેની ભાષાકીય પકડ છે, ખાસ કરીને દક્ષિણ ભારતના રાજકારણીઓમાં દુર્લભ ગણાતી હિન્દી ભાષામાં તે અત્યંત અસ્ખલિત છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તેના વીડિયોમાં તે સ્પષ્ટપણે કહે છે કે, તેણી હિન્દી એટલા માટે બોલી રહી છે જેથી ભારતભરના લોકો તેમના નેતા અને પક્ષના વિઝન વિશે જાણી શકે. રાષ્ટ્રીય સ્તરે પક્ષનો વ્યાપ વધારવા માટે ભાષાને હથિયાર બનાવતી કીર્થના માને છે કે રાજકારણથી ડરવાની જરૂર નથી, પરંતુ યુવાનોએ તેમાં જોડાઈને પરિવર્તન લાવવું જોઈએ.
મુખ્યમંત્રી વિજયના મંત્રીમંડળમાં સમાવિષ્ટ નવ મંત્રીઓમાં એન. આનંદ, આધવ અર્જુન અને ડૉ. પ્રભુ જેવા વરિષ્ઠો સાથે કીર્થનાનો સમાવેશ પક્ષની યુવા અને પ્રગતિશીલ વિચારધારાને દર્શાવે છે. શિવકાસીમાં પરંપરાઓ તોડ્યા બાદ હવે તે કેબિનેટમાં શિક્ષણ અથવા અન્ય મહત્વના વિભાગની જવાબદારી સંભાળે તેવી શક્યતા છે. કીર્થનાની આ આક્રમક અને ભાષાકીય રીતે સજ્જ શૈલી આવનારા સમયમાં તમિલનાડુના રાજકારણને રાષ્ટ્રીય ફલક પર કેવી રીતે લઈ જશે તે જોવું રસપ્રદ રહેશે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
