<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

'બાંગ્લાદેશમાં મદરેસાઓની કોઈ જ જરૂર નથી': તસ્લીમા નસરીને ધાર્મિક કટ્ટરવાદ સામે ઉચ્ચાર્યો બળવો

મોહમ્મદ યુનુસ હોય કે તારિક રહેમાન, બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર યથાવત; સ્ત્રીઓ અને લઘુમતીઓના રક્ષણ માટે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા નિર્વાસિત લેખિકાની બુલંદ માંગ

નવી દિલ્હી :  બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા સતત હુમલાઓ અને વધતા જતા ધાર્મિક કટ્ટરવાદ સામે નિર્વાસિત લેખિકા તસ્લીમા નસરીને સણસણતો પ્રહાર કર્યો છે.  ખાસ વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશમાં શાસનની સત્તા બદલાવાથી હિન્દુઓ અને લઘુમતીઓની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. તેમણે દાવો કર્યો કે તારિક રહેમાનનો યુગ હોય કે મોહમ્મદ યુનુસનું શાસન, દેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અને અત્યાચાર સતત વધી રહ્યા છે, કારણ કે કટ્ટરપંથીઓ સામે સખત કાર્યવાહી કરવાની દેશના રાજકીય નેતાઓમાં કોઈ ઈચ્છાશક્તિ જ નથી.

બાંગ્લાદેશી સમાજમાં ફેલાયેલા નફરતના મૂળ પર આકરા પ્રહારો કરતા તસ્લીમા નસરીને કહ્યું કે દેશમાં મદરેસાઓની કોઈ જ જરૂરિયાત નથી. તેમણે આરોપ લગાવ્યો કે અનેક મદરેસાઓમાં અન્ય ધર્મો અને બિન-મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાનું શિક્ષણ આપવામાં આવે છે, જે લઘુમતીઓ અને સ્વતંત્ર વિચારકો પરના હુમલાનું મુખ્ય કારણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બાંગ્લાદેશને નવા મંદિરો કે મદરેસાઓની નહીં, પરંતુ આધુનિક અને વૈજ્ઞાનિક શિક્ષણની જરૂર છે, જેથી લોકોને પ્રબુદ્ધ બનાવી શકાય અને દરેક નાગરિક શાંતિથી જીવી શકે.

મહિલાઓના અધિકારો અને લિંગ સમાનતાની ચર્ચા કરતા તેમણે સમાન નાગરિક સંહિતા ને સમયની માંગ ગણાવી હતી. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 40 વર્ષથી યુસીસી માટે લડી રહ્યા છે, કારણ કે ધર્મ આધારિત પર્સનલ લો સ્ત્રીઓ સાથે ભારે અસમાનતા અને અન્યાય કરે છે. પોતાની આપવીતી વાગોળતા તેમણે જણાવ્યું કે ધાર્મિક કટ્ટરવાદ સામે અવાજ ઉઠાવવા બદલ જ તેમને ફતવાઓનો સામનો કરવો પડ્યો અને દેશ છોડવાની ફરજ પડી હતી. આમ છતાં, તેઓ મહિલાઓ અને દબાયેલા લઘુમતી સમુદાયોના હક માટે પોતાનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે.

(6:26 PM IST)