તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
"ભારત જેવો પ્રેમ અને આતિથ્ય સત્કાર દુનિયામાં બીજે ક્યાંય નથી": ગોરા વ્લોગર્સની નકારાત્મકતાને ખુલ્લી પાડતા બ્રિટિશ પ્રવાસી રિચાર્ડ લા રુઇનાનું મોટું નિવેદન
વ્યુઝ મેળવવા ભારતની ગંદકી અને ઝૂંપડપટ્ટીઓ જ દર્શાવતા વિદેશી યુટ્યુબર્સ સામે બ્રિટીશ વ્લોગર લાલઘૂમ: 'અતિથિ દેવો ભવ:' પરંપરાની પ્રશંસા કરી ઇન્ટરનેટ પર ફેલાવવામાં આવતા પ્રોપેગન્ડાનો પર્દાફાશ કર્યો

અમદાવાદ : સોશિયલ મીડિયા પર વ્યૂઝ અને લાઈક્સ મેળવવાની ઘેલછામાં ભારતને માત્ર ગંદકી, ગટર અને જર્જરિત વિસ્તારો તરીકે જ રજૂ કરતા વિદેશી વ્લોગર્સ સામે બ્રિટિશ પ્રવાસી રિચાર્ડ લા રુઇનાએ આકરા પ્રહારો કર્યા છે. પોતાની બીજી ભારત યાત્રા દરમિયાન પોતાના અંગત અનુભવો શેર કરતાં રિચાર્ડે સોશિયલ મીડિયા પર પક્ષપાતી અને જાતિવાદી માનસિકતાથી ભરેલા કન્ટેન્ટ સર્જકોની સખત શબ્દોમાં ટીકા કરી છે. તેમણે ખુલ્લા ડિજિટલ મંચ પર સ્વીકાર્યું કે વિશ્વના મોટા ભાગના વ્લોગર્સ જાણીજોઈને દેશના સૌથી ખરાબ વિસ્તારો શોધીને વીડિયો બનાવે છે જેથી નકારાત્મકતા ફેલાવીને મિલિયન વ્યૂઝ મેળવી શકાય, પરંતુ વાસ્તવિક ભારતમાં જે હૂંફ, સંસ્કૃતિ અને અનહદ પ્રેમ છે તે દુનિયાના અન્ય કોઈ પણ ખૂણે જોવા મળતો નથી.
રિચાર્ડે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે દરેક દેશમાં અમુક કમાઈ કે ખામીઓ હોય છે અને તેની ચર્ચા થવી અયોગ્ય નથી, પરંતુ અબજોની વસ્તી ધરાવતા અને વિશાળ સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા દેશને માત્ર ઝૂંપડપટ્ટીઓ કે અસ્વચ્છ ખોરાક સુધી સીમિત રાખવો એ અતિશય નિરાશાજનક છે. પોતાની સફર દરમિયાન તેમણે અનુભવ્યું કે ઓનલાઇન જે નકારાત્મક ચિત્ર ઉપસાવવામાં આવે છે તેનાથી વાસ્તવિકતા તદ્દન અલગ છે. ભારતના સુંદર પ્રવાસન સ્થળો, અદ્ભુત ભોજન અને ખાસ કરીને સ્થાનિક લોકોની ઉત્તમ સેવા અને આતિથ્ય સત્કારે તેમનું દિલ જીતી લીધું હતું. તેમણે ભારતીય પરંપરા "અતિથિ દેવો ભવ:" નો ખાસ ઉલ્લેખ કરતાં કહ્યું કે, અહીં મહેમાનોને ભગવાન સમાન ગણવામાં આવે છે અને જે સુરક્ષા તેમજ સન્માન તેમને ભારતમાં મળ્યું છે તે અદ્વિતીય છે.
પોતાના પ્રવાસના વિવિધ અનુભવો શેર કરતા બ્રિટિશ પ્રવાસીએ ઉમેર્યું કે વિશ્વના મોટાભાગના દેશોમાં મુસાફરી કરતી વખતે એક સમય પછી બધું એકસરખું લાગવા માંડે છે, પરંતુ ભારત એક એવો અનન્ય દેશ છે જે પ્રવાસીઓને દરેક મોડે સરપ્રાઇઝ આપે છે. અહીં એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર તરફ જતાં જ ભાષા, ખોરાક, જીવનશૈલી અને સંસ્કૃતિનો અદ્ભુત વૈવિધ્યપૂર્ણ સંગમ જોવા મળે છે. ફક્ત સાંભળેલી વાતો કે ઓનલાઇન વિડિયોના આધારે અભિપ્રાય બાંધવાને બદલે લોકોએ રૂબરૂ આવીને ભારતનો અનુભવ કરવો જોઈએ. ભારતની વાસ્તવિક ઓળખ તેની ખામીઓ નહીં પણ તેના દિલદાર લોકો, સમૃદ્ધ વારસો અને આપણપો પ્રદાન કરવાની ક્ષમતા છે.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
