News of Saturday, 2nd May 2026
કોમર્શિયલ સિલિન્ડર અને ઘરેલું સિલિન્ડર વચ્ચે હવે ₹2,000 જેટલો મોટો તફાવત: બહાર જમવાનું મોંઘુ
ભાવના મોટા તફાવતનો લાભ ઉઠાવીને હોટલ, રેસ્ટોરન્ટ કે નાના વ્યવસાયોમાં ઘરેલું સિલિન્ડરનો ઉપયોગ (ડાયવર્ઝન) ન થાય તે માટે સરકારે તપાસ તેજ કરી

નવી દિલ્હી :કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયેલા રેકોર્ડબ્રેક વધારાને પગલે કેન્દ્ર સરકાર સતર્ક બની છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર અને ઘરેલું સિલિન્ડર વચ્ચે હવે ₹2,000 જેટલો મોટો તફાવત સર્જાયો છે, જેના કારણે સબસિડીવાળા ઘરેલું સિલિન્ડરનો ગેરકાયદેસર ઉપયોગ વ્યાપારી ક્ષેત્રમાં વધવાની આશંકા છે. આ સ્થિતિને પહોંચી વળવા પેટ્રોલિયમ મંત્રાલયે કમર કસી છે.
તો 1 મેથી એટલે કે આજથી કોમર્શિયલ LPGના ભાવમાં 42% વધારા બાદ પીજી સંચાલકો લાકડાના ચૂલા તરફ વળ્યા છે. તો દેશભરના રેસ્ટોરન્ટ માલિકોને ભાવ વધારવાની ફરજ પડી રહી છે.
સરકારી ઓઇલ કંપનીઓએ શુક્રવારથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹993નો જંગી વધારો ઝીંક્યો છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો એકસામટો વધારો માનવામાં આવે છે.
- દિલ્હીમાં નવો ભાવ: ₹3,071.50 (પહેલા ₹2,078.50 હતો).
- છેલ્લા 3 મહિનાનો વધારો: છેલ્લા ત્રણ મહિનામાં કુલ વધારો ₹1,303 પર પહોંચ્યો છે.
- નાના સિલિન્ડર: મજૂરો અને વિદ્યાર્થીઓ દ્વારા વપરાતા 5 કિલોના FTL સિલિન્ડરમાં પણ ₹261નો વધારો થયો છે.
રાહતની વાત એ છે કે સામાન્ય જનતાના રસોડામાં વપરાતા 14.2 કિલોના ઘરેલું સિલિન્ડર કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભાવના મોટા તફાવતનો લાભ ઉઠાવીને હોટલ, રેસ્ટોરન્ટ કે નાના વ્યવસાયોમાં ઘરેલું સિલિન્ડરનો ઉપયોગ (ડાયવર્ઝન) ન થાય તે માટે સરકારે તપાસ તેજ કરી છે:
મોટી સંખ્યામાં દરોડા: 29 એપ્રિલના રોજ દેશભરમાં 2,300થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 336 ગેસ એજન્સીઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે અને 72 એજન્સીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 29 એપ્રિલના રોજ જ 50 ડિસ્ટ્રીબ્યુટર્સને કારણ બતાવો નોટિસ આપી 11 પર દંડ લાદવામાં આવ્યો છે
પેટ્રોલિયમ મંત્રાલયે રાજ્યોના સચિવો અને તેલ કંપનીઓ (IOCL, BPCL, HPCL) સાથે બેઠક કરીને સૂચના આપી છે કે, આવશ્યક વસ્તુ અધિનિયમ, 1955 અને LPG કંટ્રોલ ઓર્ડર, 2000 હેઠળ કાળાબજારી કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પુરવઠાની સ્થિતિ પર સતત નજર રાખવી જેથી જમાખોરી ન થાય.
સરકારનો સ્પષ્ટ મત છે કે વ્યાપારી સિલિન્ડર મોંઘા થવાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ માટેના સબસિડીવાળા ગેસનો દુરુપયોગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં આ ઝુંબેશ હજુ વધુ તેજ બની શકે છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
