<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ભાજપમાં થશે મોટો ફેરફાર! નીતિન નવીનની નવી ટીમમાં કોને-કોને મળશે એન્‍ટ્રી?

૫ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ૪ મેના રોજ આવ્‍યા પછી ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ નીતિન નવીનની ટીમની રચના થવાની સંભાવના : પાર્ટીની સર્વોચ્‍ચ નિર્ણયક સંસ્‍થા પાર્લામેન્‍ટરી બોર્ડની પણ ફરી રચના થશે

નવી દિલ્‍હી તા.૨૭: ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્‍યક્ષ નીતિન નવીનની નવી ટીમ બનવા જઈ રહી છે. ૫ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ૪ મેના રોજ આવ્‍યા પછી ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ નીતિન નવીનની ટીમની રચના થવાની સંભાવના છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓના જણાવ્‍યા અનુસાર, આ માટેનું હોમવર્ક પૂર્ણ થઈ ગયું છે અને અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે યુવા અધ્‍યક્ષની સાથે કામ કરવા માટે બનવા જઈ રહેલી ટીમમાં અનુભવી નેતાઓની સાથે જ યુવાઓને પણ તક આપવામાં આવશે, જેથી ભવિષ્‍ય માટે નેતૃત્‍વ તૈયાર કરી શકાય.

નીતિન નવીન ૨૦ જાન્‍યુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ તરીકે ચૂંટાયા હતા. ત્‍યારથી જ તેમની નવી ટીમની રચનાને લઈને પાર્ટીમાં ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, દેશભરમાંથી સંભવિત નેતાઓની વિસ્‍તૃત યાદી તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને ૫૦ વર્ષથી ઓછી ઉંમરના યુવા નેતાઓ પર ખાસ ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ નેતાઓ પાસેથી તેમના વિશે ફીડબેક લેવામાં આવ્‍યો છે. આ આધારે જલ્‍દી નીતિન નવીનની ટીમની જાહેરાત થશે.

ભારતીય જનતા પાર્ટીના સંવિધાન અનુસાર, રાષ્ટ્રીય અધ્‍યક્ષની મદદ માટે પદાધિકારી નિમણૂક કરવામાં આવે છે. તેમાં વધુમાં વધુ ૧૩ રાષ્ટ્રીય ઉપાધ્‍યક્ષ, ૯ રાષ્ટ્રીય મહામંત્રી (જેમાં એક મહામંત્રી સંગઠન પણ સામેલ છે) અને ૧૫ રાષ્ટ્રીય મંત્રીઓની નિમણૂક કરી શકાય છે. આ ઉપરાંત એક રાષ્ટ્રીય કોષાધ્‍યક્ષની પણ નિમણૂક કરવામાં આવે છે. ભાજપ સંવિધાનમાં કરવામાં આવેલા સુધારા મુજબ, ૩૩ ટકા પદ મહિલાઓ માટે આરક્ષિત છે. આનો મતલબ એ થયો કે કુલ ૩૮ રાષ્ટ્રીય પદાધિકારીઓમાં ઓછામાં ઓછી ૧૩ મહિલાઓ હોવી ફરજિયાત છે. સાથે જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગમાંથી પણ ઓછામાં ઓછા ત્રણ પદાધિકારીઓ હોવા જરૂરી છે.

રાષ્ટ્રીય પદાધિકારીઓની નિયુક્‍તિની સાથે જ પાર્ટીની સર્વોચ્‍ચ નિર્ણયક સંસ્‍થા પાર્લામેન્‍ટરી બોર્ડની પણ ફરી રચના થવાની છે. હાલમાં આ બોર્ડમાં અધ્‍યક્ષ સહિત ૧૨ સભ્‍યો છે, જ્‍યારે સંવિધાન મુજબ મહત્તમ ૧૧ સભ્‍યોની જોગવાઈ છે. વિવિધ ક્ષેત્રો, સામાજિક અને ધાર્મિક સંતુલનને ધ્‍યાનમાં રાખીને આ બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવશે. તેમજ કેન્‍દ્રીય ચૂંટણી સમિતિની પણ રચના થશે, જેમાં પાર્લામેન્‍ટરી બોર્ડના તમામ સભ્‍યો ઉપરાંત અન્‍ય કેટલાક વરિષ્ઠ નેતાઓને પણ સામેલ કરવામાં આવશે. 

(10:00 AM IST)