તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
કોર્ટ ફંડ અને વ્યાજના નિયમોમાં થશે મોટો સુધારો: સુપ્રીમ કોર્ટે કાયદા પંચને સોંપી મહત્વની જવાબદારી
અદાલતોમાં જમા કરોડો રૂપિયાના રોકાણ, વ્યાજદર અને સંચાલનમાં એકરૂપતા લાવવા સર્વોચ્ચ અદાલતનો આદેશ: પક્ષકારોને નુકસાન અટકાવવા સામાન્ય પ્લેટફોર્મ બનાવવાની ભલામણ

નવી દિલ્હી: દેશની વિવિધ અદાલતો અને ટ્રિબ્યુનલોમાં જમા થતાં કરોડો રૂપિયાના ફંડ, તેના રોકાણ અને તેના પર મળતા વ્યાજના નિયમોમાં વ્યાપક વિસંગતતાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની ખંડપીઠે ભારતના કાયદા પંચને આ વ્યવસ્થામાં સંપૂર્ણ એકરૂપતા લાવવા માટે તપાસ કરી નવો કાયદો ઘડવાની ભલામણ કરી છે. હાલમાં દેશની અલગ-અલગ હાઈકોર્ટો અને નીચલી અદાલતોમાં રકમ જમા કરાવવા, વ્યાજની ગણતરી કરવા અને બેંકોની પસંદગી માટે ભિન્ન-ભિન્ન પ્રક્રિયાઓ ચાલી રહી છે, જેના કારણે અરજદારોને અન્યાય થાય છે અને વધારાના મુકદ્દમા ઊભા થાય છે.
કોર્ટે નોંધ્યું કે દિલ્હી હાઈકોર્ટ રજિસ્ટ્રી દ્વારા એફડી કરાવે છે, અલ્હાબાદ હાઈકોર્ટ એસબીઆઈમાં નાણાં રાખે છે, જ્યારે કલકત્તા અને મદ્રાસ હાઈકોર્ટ રિઝર્વ બેંક સાથે સીધી વ્યવસ્થા ધરાવે છે. આ પદ્ધતિસરના તફાવતોને કારણે સમાન પરિસ્થિતિ ધરાવતા મુકદ્દમાકારો સાથે અસમાન વ્યવહાર થાય છે અને પૈસાના 'ટાઇમ વેલ્યુ' તથા વ્યાજના દર પર વિપરીત અસર પડે છે. કાયદા પંચને અન્ય દેશોના મોડેલનો અભ્યાસ કરવા ઉપરાંત નાણા મંત્રાલય, કાયદા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક (RBI) સાથે સલાહ-મસલત કરીને યોગ્ય કાનૂની માળખું તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે એક સામાન્ય (કોમન) પ્લેટફોર્મ બનાવવાનું સૂચન કર્યું છે. આ વ્યવસ્થા હેઠળ તમામ કોર્ટોમાં જમા થતાં ફંડને એકત્રિત કરીને સૌથી વધુ ફાયદાકારક નાણાકીય સાધનોમાં રોકાણ કરી શકાશે. આ પગલાથી માત્ર વ્યાજ દરોમાં નિશ્ચિતતા અને પારદર્શિતા આવશે એટલું જ નહીં, પરંતુ અદાલતો અને ટ્રિબ્યુનલો પરથી નાણાકીય સંચાલન અને એકાઉન્ટિંગનો વધારાનો બોજ પણ નોંધપાત્ર રીતે ઘટી જશે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
