તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
૧ જાન્યુઆરી ૨૦૨૭થી ઓનલાઈન શોપિંગના નિયમોમાં થશે મોટા ફેરફાર!
ખરીદી કરતા પહેલાં જાણી લો, તમારા ખિસ્સા પર શું થશે અસર?

નવી દિલ્હી,તા.૧૭: જો તમે એમેઝોન, ફિલપકાર્ટ સહિતની અન્ય ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરતા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકાર ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી ઓનલાઈન શોપિગના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. ગ્રાહકોને નકલી ડિસ્કાઉન્ટ, ભ્રામક જાહેરાતો અને ઓનલાઈન છેતરપિડીથી બચાવવા માટે સરકારે કન્ઝયુમર પ્રોટેક્શન (ઈ-કોમર્સ) રૂલ્સ, ૨૦૨૦માં સુધારા કર્યા છે.
નવા નિયમો અનુસાર, હવે કોઈ કંપની પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ આપવાનો દાવો કરશે તો તેણે ડિસ્કાઉન્ટવાળી કિમતની સાથે અગાઉની કિમત પણ દર્શાવવી પડશે. અગાઉની કિમત એટલે ડિસ્કાઉન્ટની જાહેરાત કરતાં પહેલાંના ૩૦ દિવસ દરમિયાન પ્રોડક્ટની સૌથી ઓછી કિમત. આથી ગ્રાહકો જાણી શકશે કે ખરેખર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને કંપની માત્ર આકર્ષક ઓફર બતાવીને છેતરતી નથી.
ઓનલાઈન શોપિગમાં સર્ચ કરતી વખતે ઘણીવાર કંપનીઓ પૈસા લઈને કેટલીક પ્રોડક્ટ્સને સૌથી ઉપર બતાવે છે. હવે આવા સ્પોન્સર્ડ પ્રોડક્ટ્સની ઓળખ સ્પષ્ટ રીતે આપવી પડશે. સાથે જ ઈ-કોમર્સ કંપનીઓ સર્ચ રિઝલ્ટમાં એવી રીતે ફેરફાર કરી શકશે નહીં, જેનાથી ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે અથવા તેમની શોધ સાથે અસંબંધિત વસ્તુઓ દેખાડવામાં આવે.
ગ્રાહકોને પ્રોડક્ટ ખરીદતાં પહેલાં તેની તમામ જરૂરી માહિતી આપવી પણ ફરજિયાત બનશે. તેમાં એક્સપાયરી અથવા બેસ્ટ બિફોર તારીખ, રિટર્ન અને રિફંડ પોલિસી, એક્સચેન્જ, વોરંટી, ગેરંટી, ડિલિવરી ચાર્જ અને પેમેન્ટની વિગતો સામેલ છે. આયાતી વસ્તુઓના કિસ્સામાં આયાતકારનું નામ અને પ્રોડક્ટ કયા દેશમાં બની છે તેની માહિતી પણ આપવી પડશે. ફરિયાદોના નિકાલ માટે પણ નિયમો કડક કરવામાં આવ્યા છે. દરેક ઈ-કોમર્સ કંપનીએ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) સાથે જોડાવું પડશે. ઉપરાંત, ફરિયાદનો ઉકેલ એક મહિનાની અંદર લાવવો પડશે.
આ ઉપરાંત, ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ડાર્ક પેટર્ન જેવી પદ્ધતિઓ પર પણ નિયંત્રણ લાવવામાં આવશે. કંપનીઓએ દર વર્ષે પોતાના પ્લેટફોર્મનું ઓડિટ કરાવવું પડશે અને નિયમોનું પાલન થતું હોવાની પ્રમાણિત માહિતી દર્શાવવી પડશે. ગ્રાહકોની વ્યક્તિગત માહિતીનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવા પહેલાં તેમની સ્પષ્ટ સંમતિ લેવી પણ જરૂરી બનશે.(૪૦.૩૩)
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
