<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

રેલવેમાં રિઝર્વેશન સિસ્ટમમાં થશે મોટા ફેરફાર : વચેટિયાથી મળશે છૂટકારો: મુસાફરોને મળશે લાભ : ઓગસ્ટથી અમલ

વધતી માંગ અને ટિકિટ બુકિંગમાં ગેરરીતિની ફરિયાદોને ધ્યાનમાં રાખી સમગ્ર સિસ્ટમને અપગ્રેડ કરવાનો આ નિર્ણય લેવાયો

ભારતીય રેલવે  આગામી ઓગસ્ટ 2026થી તેની છેલ્લા 40 વર્ષ જૂની ટિકિટ રિઝર્વેશન સિસ્ટમમાં નવા અને અત્યાધુનિક ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ ફેરફાર અંગે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક સમીક્ષા બેઠકમાં દિશા-નિર્દેશ આપ્યા કે આ પરિવર્તનમાં યાત્રીઓને કોઈ જ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં.

વધતી માંગ અને ટિકિટ બુકિંગમાં ગેરરીતિની ફરિયાદોને ધ્યાનમાં રાખી સમગ્ર સિસ્ટમને અપગ્રેડ કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે ઓગસ્ટ મહિનાથી લાગૂ થશે.

રેલવે મંત્રીની માહિતી પ્રમાણે નવી ટિકિટ સિસ્ટમ પાછળ આશરે રૂપિયા એક હજાર કરોડ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેને દૈનિક યાત્રા કરનારા આશરે 2.5 કરોડ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ છે. નવી સિસ્ટમથી ટિકિટ બુકિંગ અગાઉની તુલનામાં પાંચ ગણી ઝડપથી થશે તથા વચેટીયાઓ માટે સિસ્ટમમાં પ્રવેશ કરવો મુશ્કેલ બની જશે.

આ નવી સિસ્ટમની વિશેષ વાત એ છે કે તેનાથી ક્ષમતામાં વધારો થશે. વર્તમાન સિસ્ટમ પ્રતિ મિનિટ આશરે 25 હજાર ટિકિટ કરે છે તે નવી સિસ્ટમ પ્રતિ મિનિટ આશરે 1,25,000 ટિકિટ ઈશ્યુ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત આ મલ્ટી-વેન્ડર અને મલ્ટી-લિંગુઅલ ઈન્ટરફેસ પર આધારિત હશે, જે વિવિધ ભાષામાં ટિકિટ બુકિંગને સરળ બનાવશે.

ભારતીય રેલવેની વર્તમાન રિઝર્વેશન સિસ્ટમ 1986માં શરૂ કરવામાં આવી હતી. છેલ્લા ચાર દાયકામાં તેમાં ઘણા નાના ફેરફારો થયા છે, પરંતુ હવે તેને આધુનિક ટેકનોલોજી સાથે સંપૂર્ણપણે અપગ્રેડ કરવામાં આવ્યું છે. દેશભરમાં ટિકિટ બુકિંગની વધતી માંગને પહોંચી વળવા માટે નવી સિસ્ટમની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

(12:28 AM IST)