તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં: સરકારની મોટી જાહેરાત
ઈંધણના ભાવ વધવાની જે અટકળો ચાલી રહી હતી, તેના પર સરકારે હાલ પૂરતું પૂર્ણવિરામ મૂકી દીધું

નવી દિલ્હી :વધતી જતી મોંઘવારી અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું રાંધણ ગેસ (LPG)ની કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે ઈંધણના ભાવ વધવાની જે અટકળો ચાલી રહી હતી, તેના પર સરકારે હાલ પૂરતું પૂર્ણવિરામ મૂકી દીધું છે.
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં જે ભાવ વધારાના સમાચાર વહેતા થયા હતા તે માત્ર કોમર્શિયલ LPG સિલિન્ડર પૂરતા મર્યાદિત છે. સામાન્ય પરિવારો દ્વારા ઉપયોગમાં લેવાતા 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડર કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ગ્રાહકોએ અગાઉના ભાવે જ આ સુવિધાઓ મળતી રહેશે.
સુજાતા શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયાના તણાવપૂર્ણ વાતાવરણને કારણે ભારતની આયાત પ્રક્રિયા પર ચોક્કસપણે અસર પડી છે. ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ અને LPGના પુરવઠામાં વૈશ્વિક સ્તરે પડકારો ઉભા થયા છે. આમ છતાં, ભારત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાગરિકોને અવિરત સુવિધા પૂરી પાડવાનો છે.
100% ઘરેલું પુરવઠો: સામાન્ય નાગરિકોને રાંધણ ગેસની કોઈ અછત ન સર્જાય તે માટે સરકાર 100 ટકા ઘરેલું LPG સપ્લાય સુનિશ્ચિત કરી રહી છે.
કોમર્શિયલ સપોર્ટ: વ્યાપારી એકમો માટે પણ સરકાર સક્રિય છે અને અંદાજે 70 ટકા જેટલો પુરવઠો જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે.
જોકે, બુધવારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 9% ઘટીને $99.79 પ્રતિ બેરલ થયા હતા, જે અગાઉ 7% ઘટ્યા હતા. એક્સિઓસના અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર ટૂંક સમયમાં થઈ શકે છે, ત્યારબાદ ભાવમાં આ સુધારો થયો છે. વ્હાઇટ હાઉસે સંકેત આપ્યો છે કે તેણે યુદ્ધનો અંત લાવવા અને પરમાણુ વાટાઘાટો માટે માળખું સ્થાપિત કરવાના હેતુથી ઈરાન સાથે કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ માહિતી યુએસ અધિકારીઓ અને અન્ય સ્ત્રોતો દ્વારા એક્સિઓસ ન્યૂઝ એજન્સીને પૂરી પાડવામાં આવી હતી
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
