News of Thursday, 16th April 2026
પેટમાં દુખાવાની ફરિયાદ લઈને ગયેલા યુવાનના પેટમાંથી નીકળ્યું થર્મોમીટર

ચીનમાં ૩૨ વર્ષનો વાંગ નામનો માણસ પેટમાં દુખાવાની ફરિયાદ લઈને ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેને જબરા આઘાતજનક સમાચાર મળ્યા. તેને અવારનવાર પેટમાં ઝીણો દુખાવો થતો હતો. છેલ્લા થોડા સમયથી દુખાવાએ માઝા મૂકી હોવાથી આખરે તે ડોક્ટર પાસે ગયો. પેઇનકિલર કામ નહોતી કરતી એટલે ડોક્ટરોએ આંતરડાંનો સ્કેન કરાવ્યો. ડોક્ટરોને સ્કેનમાં નાના આંતરડાના ખાંચામાં એક લાંબી અને અજીબ રીતે લાંબી ચીજ જોવા મળી. એનો આકાર સમજવા અલગ-અલગ એન્ગલથી સ્કેનમાં ફોટો લીધા ત્યારે ડોક્ટરને સમજાયું કે આ કદાચ થર્મોમીટર હોઈ શકે છે. આંતરડાંની દીવાલ સાથે એ થર્મોમીટર દબાઈ રહ્યું હતું. જો એના પર જરાક વધુ દબાણ આવી જાય અને થર્મોમીટર ફાટી જાય તો જીવનું જોખમ ઊભું થઈ શકે એમ હતું. ડોક્ટરોએ દરદીને પૂછ્યું કે શું તેણે થોડા સમય પહેલાં કોઈ ન ખાવાની ચીજ ખાઈ લીધી હોય એવું બન્યું છે? ત્યારે વાંગે બાળપણનો એક પ્રસંગ યાદ કરીને કહ્યું હતું કે તે ૧૨ વર્ષનો હતો ત્યારે તાવ માપતી વખતે મોંમાં રાખેલું થર્મોમીટર ભૂલથી ગળામાં ઉતારી દીધું હતું. ભૂલ થઈ ગયા પછી તેને મમ્મીનો એટલો ડર લાગ્યો કે તેણે કહ્યું કે થર્મોમીટર તૂટી ગયું છે એટલે નવું લાવવું પડશે.
૨૦ વર્ષ સુધી આ થર્મોમીટર પેટમાં રહ્યું અને કોઈ લક્ષણો ન દેખાયાં, પરંતુ થર્મોમીટર જ્યારે નાના આંતરડાની પાસે આવેલા ખાંચામાં ફસાઈ ગયું ત્યારે હવે પ્રેશરને કારણે દુખાવો થઈ રહ્યો હતો. ડોક્ટરોએ મોંમાં નળી નાખીને કરવામાં આવતી એન્ડોસ્કોપી પ્રોસીજર દ્વારા થર્મોમીટર બહાર કાઢી લીધું હતું. જો કાઢતી વખતે પણ થર્મોમીટર તૂટી જાત તો એમાં વપરાયેલો પારો આંતરડાંમાં ફેલાઈ જતાં વાંગનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
