<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

આ છે દુનિયાના ૧૦ સૌથી અમીર નેતાઓઃ યાદીમાં એક ભારતીય મૂળની વ્‍યક્‍તિ સામેલ

દુનિયાના ઘણા મોટા નેતા માત્ર પોતાની રાજકીય તાકાતને કારણે જ નહીં, પરંતુ અબજો-ખરબો રૂપિયાની સંપત્તિના કારણે પણ ચર્ચામાં રહે છે : કેટલાક એવા છે, જેમણે વ્‍યવસાયમાંથી ઢગલો પૈસા કમાયા છે, જ્‍યારે કેટલાક શાહી પરિવારમાંથી આવે છે અને તેમને વારસામાં અઢળક સંપત્તિ મળી છે

નવી દિલ્‍હી તા.૩: દુનિયાના ઘણા નેતા માત્ર પોતાની રાજનીતિ માટે જ નહીં, પરંતુ પોતાની અઢળક સંપત્તિ અને વૈભવી લાઈફસ્‍ટાઈલ માટે પણ ચર્ચામાં રહે છે. ચાલો જાણીએ દુનિયાના સૌથી અમીર શાસકો અને નેતાઓ વિશે અને જાણીએ કે કોની પાસે કેટલી સંપત્તિ છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્‍લાદિમીર પુતિનની સંપત્તિ હંમેશાં રહસ્‍ય રહી છે. તેમની સંપત્તિની ક્‍યારેય સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. જોકે ડિસેમ્‍બર ૨૦૨૫માં રોકાણકાર બિલ બ્રાઉડરે ફરી એકવાર દાવો કર્યો હતો કે પુતિનની કુલ સંપત્તિ લગભગ ૨૦૦ અબજ ડોલર એટલે કે આશરે ૧૭.૪ લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે. જોકે, ક્રેમલિને હંમેશાં આ દાવાને ફગાવ્‍યો છે. આ માહિતી ફોર્ચ્‍યુનમાં પ્રકાશિત અહેવાલ અને બિલ બ્રાઉડરના દાવા પર આધારિત છે.

થાઇલેન્‍ડના રાજા મહા વજિરાલોંગકોર્ન દુનિયાના સૌથી અમીર શાસકોમાં ગણાય છે. ફોર્બ્‍સ, ફોર્ચ્‍યુન અને ક્રાઉન પ્રોપર્ટી બ્‍યુરોના અહેવાલો અનુસાર તેમની સંપત્તિ ૩૦ થી ૪૩ અબજ ડોલર એટલે કે આશરે ૨.૬૧ થી ૩.૭૪ લાખ કરોડ રૂપિયા વચ્‍ચે આંકવામાં આવે છે. તેમની મોટાભાગની સંપત્તિ રિયલ એસ્‍ટેટ અને મોટા રોકાણો સાથે જોડાયેલી છે.

બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્‍કિયાહની અંદાજિત સંપત્તિ લગભગ ૩૦ અબજ ડોલર એટલે કે આશરે ૨.૬૧ લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ફોર્બ્‍સ, સેલિબ્રિટી નેટ વર્થ અને નાણાકીય અહેવાલો અનુસાર તેમની સંપત્તિનો સૌથી મોટોસ્ત્રેત બ્રુનેઈના તેલ અને ગેસના સંસાધનો છે

સંયુક્‍ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્‍મદ બિન ઝાયેદ અલ નાહયાનની અંદાજિત સંપત્તિ લગભગ ૩૦ અબજ ડોલર એટલે કે આશરે ૨.૬૧ લાખ કરોડ રૂપિયા છે. બ્‍લૂમબર્ગ અને ફોર્ચ્‍યુન અનુસાર આ સંપત્તિ તેમના પરિવારના રોકાણો અને મોટા વ્‍યાવસાયિક હિતો સાથે જોડાયેલી છે.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્‍સ અને વડાપ્રધાન મોહમ્‍મદ બિન સલમાનની વ્‍યક્‍તિગત સંપત્તિ ૨૦ અબજ ડોલર છે, જે આશરે ૧.૭૪ લાખ કરોડ રૂપિયા કરતાં વધુ આંકવામાં આવે છે. જોકે તેમની કુલ સંપત્તિનો કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્‍યો નથી. આ અંદાજ ફોર્ચ્‍યુન, બિઝનેસ ઇનસાઇડર અને અન્‍ય મીડિયા અહેવાલો પર આધારિત છે.

કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીની વ્‍યક્‍તિગત સંપત્તિ ૨ થી ૩ અબજ ડોલર અથવા આશરે ૧૭ હજારથી ૨૬ હજાર કરોડ રૂપિયા માનવામાં આવે છે. જોકે નાણાકીય મીડિયા અહેવાલો અનુસાર અલ થાની શાહી પરિવાર પાસે કતાર ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ઓથોરિટી દ્વારા આના કરતાં ઘણી વધુ સંપત્તિ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની અંદાજિત સંપત્તિ ૫ થી ૬ અબજ ડોલર એટલે કે આશરે ૪૩,૫૦૦ થી ૫૨,૨૦૦ કરોડ રૂપિયા છે. ફોર્બ્‍સ રિયલ-ટાઇમ બિલિયોનેર યાદી અનુસાર તેમની કમાણીનો મુખ્‍યસ્ત્રેત રિયલ એસ્‍ટેટ વ્‍યવસાય, ગોલ્‍ફ રિસોર્ટ, લાઇસન્‍સિંગ ડીલ અને ટ્રમ્‍પ મીડિયામાં તેમની ભાગીદારી છે.

ભારતીય મૂળના પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્‍ની અક્ષતા મૂર્તિની સંયુક્‍ત સંપત્તિ લગભગ ૫૬૩ મિલિયન પાઉન્‍ડ (આશરે ૬,૫૦૦ કરોડ રૂપિયા) હોવાનું જણાવાયું છે. ધ સન્‍ડે ટાઇમ્‍સ રિચ લિસ્‍ટ ૨૦૨૫ અનુસાર આ સંપત્તિનો મોટો હિસ્‍સો ઇન્‍ફોસિસમાં તેમની ભાગીદારીમાંથી આવે છે.

થાઇલેન્‍ડના વડાપ્રધાન પૈતોંગતાર્ન શિનાવાત્રાએ પોતાની જાહેર કરેલી સંપત્તિ ૪૦૦ થી ૪૫૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૩૫૦૦ થી ૩૯૦૦ કરોડ રૂપિયા જણાવી છે. થાઇલેન્‍ડના નેશનલ એન્‍ટી-કરપ્‍શન કમિશનમાં જમા કરાવેલા તેમના સંપત્તિ જાહેરનામા અનુસાર તેઓ દુનિયાના સૌથી અમીર ચૂંટાયેલા નેતાઓમાં સામેલ છે.

ચેક ગણરાજ્‍યના પૂર્વ વડાપ્રધાન આન્‍દ્રેજ બાબિશ યુરોપના સૌથી અમીર નેતાઓમાં ગણાય છે. ફોર્બ્‍સ બિલિયોનેર યાદી અનુસાર તેમની અંદાજિત સંપત્તિ લગભગ ૪ અબજ ડોલર એટલે કે આશરે ૩૫ હજાર કરોડ રૂપિયા છે. તેમની મોટાભાગની સંપત્તિ એગ્રોફર્ટ ગ્રૂપ સાથે જોડાયેલી છે

(10:52 AM IST)