News of Friday, 17th July 2026
'' તેઓ જલ્દી ઉપવાસ તોડે અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે 'બોલિવૂડ સ્ટાર આમિર ખાનએ સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરી
દિલ્હીના જંતર-મંતર ખાતે પર્યાવરણ અને શિક્ષણના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવતા જાણીતા સોનમ વાંગચુક છેલ્લા 20 દિવસથી અનશન પર છે તેમના સ્વાસ્થ્યને લઈને સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

નવી દિલ્હી :દિલ્હીના જંતર-મંતર ખાતે પર્યાવરણ અને શિક્ષણના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવતા જાણીતા સોનમ વાંગચુક હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેઓ છેલ્લા 20 દિવસથી અનશન પર છે, જેના કારણે તેમના સ્વાસ્થ્યને લઈને સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તાજેતરમાં, બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનએ તેમના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરી છે.
સોનમ વાંગચુકની આ હડતાળ વચ્ચે સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી હતી કે આમિર ખાનની સુપરહિટ ફિલ્મ '3 ઇડિયટ્સ'માં તેમનું પાત્ર 'રાંચો' વાંગચુક પર આધારિત હતું. આ અફવાઓને વિરામ આપતા આમિર ખાને સ્પષ્ટતા કરી છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી. તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે અમે આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમને સોનમ વાંગચુક વિશે કોઈ જાણકારી નહોતી."
આમિર ખાને વધુમાં ઉમેર્યું હતું કે, ભલે ફિલ્મનું પાત્ર તેમના પર આધારિત ન હોય, પરંતુ સોનમ વાંગચુક જે સામાજિક કાર્ય કરી રહ્યા છે તે અત્યંત પ્રશંસનીય છે. "અમે બધા ઈચ્છીએ છીએ કે તેઓ જલ્દી ઉપવાસ તોડે અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે," તેમ અભિનેતાએ જણાવ્યું હતું.
સોનમ વાંગચુકનું આ આંદોલન હાલમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જોડાયેલું છે. દેશભરના નાગરિકો અને અનેક સેલિબ્રિટીઝ તેમના આ સંઘર્ષને ટેકો આપી રહ્યા છે, પરંતુ તેમની તબિયત સ્થિર રહે તે સૌની પ્રાથમિકતા છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
