<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

IPL સ્ટાર શશાંક સિંહના ઘરે ‘કૂક’ના વેશમાં આવ્યો ચોર? વિવાદ પર ક્રિકેટરે તોડ્યું મૌન, કહ્યું– "મેં ભાવુક થઈને પોલીસ ન બોલાવી, એ જ મારી મોટી ભૂલ હતી!"

નિવૃત્ત IPS પિતા અને પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર સામે ભોપાલમાં FIR બાદ સનસનાટી; શશાંકનો ચોંકાવનારો દાવો– "તે રસોઈયાના બહાને રૂમમાં ઘૂસીને મારા ફોટા-વીડિયો લેતો હતો અને ઘરમાંથી ચાંદીની મૂર્તિ ગાયબ છે"

ભોપાલ, તા.૩૦: આઈપીએલ (IPL) માં પંજાબ કિંગ્સ (PBKS) તરફથી ધમાકેદાર બેટિંગ કરીને લાઈમલાઈટમાં આવેલા ઓલરાઉન્ડર શશાંક સિંહ અને તેમના પરિવાર વિરુદ્ધ ભોપાલના રતિબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધાતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમના ઘરે કામ કરવા આવેલા રસોઈયા (કૂક) વિપેન્દ્ર સિંહ તોમરે શશાંક અને તેમના નિવૃત્ત IPS અધિકારી પિતા શૈલેષ સિંહ પર મારપીટ અને ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. હવે આ સમગ્ર વિવાદ પર ક્રિકેટર શશાંક સિંહે મૌન તોડ્યું છે અને પોતાની આપવીતી જણાવતા એક મોટી ભૂલનો સ્વીકાર કર્યો છે.

"તે રસોઈયો નહોતો, શંકાસ્પદ જાસૂસ કે ચોર હતો"

મીડિયા એજન્સી ANI સાથેની ખાસ વાતચીતમાં શશાંક સિંહે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, "અમે તેને કોઈ બંધક બનાવ્યો નહોતો. તે રીવાના એક મિત્રના પરિચિત દ્વારા રેફરન્સથી અમારા ઘરે રસોઈયા તરીકે આવ્યો હતો. પરંતુ સત્ય એ છે કે તેને રસોઈ બનાવતા બિલકુલ આવડતું જ નહોતું! તે બે દિવસ સુધી માત્ર મજા કરી રહ્યો હતો, મારા રૂમમાં આવીને ગુપ્ત રીતે મારા ચહેરાના ફોટા અને વીડિયો લઈ રહ્યો હતો. કોઈ સામાન્ય રસોઈયો આવું કેમ કરે? અમને શંકા છે કે તે ચોરી કરવાના ઈરાદે જ આવ્યો હતો, કારણ કે અમારા ઘરમાંથી ભગવાન ગણેશની એક ચાંદીની કિંમતી મૂર્તિ ગુમ છે, જેની તપાસ મારી મમ્મી અને બહેન કરી રહ્યા છે."

"મોબાઈલ છીનવ્યો નથી, માત્ર ઘરના વીડિયો ડીલીટ કરાવ્યા"

રસોઈયાના મોબાઈલ છીનવી લેવાના આરોપોને નકારતા શશાંકે સ્પષ્ટ કર્યું કે, "અમે તેનો ફોન શા માટે રાખીએ? હા, મારી મમ્મીએ એટલું ચોક્કસ કર્યું હતું કે તેના ફોનમાંથી અમારા ઘરના જે પણ વીડિયો અને ફોટા તેણે લીધા હતા, તે ડિલીટ કરાવી દીધા હતા. જ્યારે તે જઈ રહ્યો હતો ત્યારે પણ મારા પપ્પાએ તેને કહ્યું હતું કે, જો તું જાય છે તો તારા સગાને ફોન કરીને જાણ કર, રસ્તામાં ક્યાંય ગાયબ થઈ જતો નહીં. તે સમયે તેની પાસે વીડિયો વાળો ફોન હાથમાં જ હતો."

ભાવુક થઈને લીધેલો નિર્ણય જ હવે ભારે પડ્યો

શશાંક સિંહે ભાવુક થઈને કરેલી એક ભૂલનો સ્વીકાર કરતા કહ્યું કે, "જ્યારે અમે તેને વીડિયો લેતા રંગેહાથ પકડ્યો, ત્યારે મારી બહેને તરત જ ૧૦૦ નંબર પર ડાયલ કરીને પોલીસ બોલાવવાનું કહ્યું હતું. પરંતુ તે રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે, ‘હું ગરીબ માણસ છું, મારી માતા બીમાર છે, મને જવા દો.’ તેની આ વાતો સાંભળીને હું ભાવુક થઈ ગયો અને મમ્મીને કહ્યું કે તેને જવા દો, પોલીસ કેસ નથી કરવો. આ જ મારી સૌથી મોટી ભૂલ હતી. જો મેં ત્યારે જ તેને પોલીસને સોંપ્યો હોત તો આજે અમારે આ દિવસ જોવો ન પડત."

"હું ગાળો પણ નથી બોલતો, હિંસા તો બહુ દૂરની વાત છે"

શશાંકે અંતમાં જણાવ્યું કે, આ વિવાદ તેમના પરિવાર માટે એક મોટો પાઠ છે અને હવેથી તેઓ માત્ર વેરિફાઇડ એજન્સીઓ દ્વારા જ ઘરના સ્ટાફની ભરતી કરશે. પિતાએ પાછળથી તપાસ કરતા ખબર પડી કે તે વ્યક્તિ ડ્રગ્સ એડિક્ટ (નશાખોર) હતો. ક્રિકેટરે ઉમેર્યું, "જે લોકો મને વ્યક્તિગત રીતે ઓળખે છે તેઓ સારી રીતે જાણે છે કે હું ક્યારેય કોઈ સાથે અપશબ્દો પણ બોલતો નથી, તો શારીરિક હિંસા તો બહુ દૂરની વાત છે. આ માટે મારે કોઈને સફાઈ આપવાની જરૂર નથી. કાયદા પર અમને પૂરો ભરોસો છે." હાલમાં પોલીસે હજુ સુધી ક્રિકેટર કે તેમના પરિવારનો સત્તાવાર સંપર્ક કર્યો નથી.

 

(5:33 PM IST)