<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ચોરોનો અજીબોગરીબ પ્રેમ: અંબિકાપુર કોંગ્રેસ ભવનમાં 73 નળની સફાયા કરી ફ્લોર પર લખ્યું - 'I Love Ambikapur'

છત્તીસગઢના અંબિકાપુરમાં તસ્કરોએ રાજકીય કાર્યાલયને બનાવ્યું નિશાન: લાખોની તોડફોડ અને નળની ચોરી કર્યા બાદ ચોરોની વિચિત્ર કરતૂત જોઈ પોલીસ પણ ચકરાવે ચડી : નશાખોરોનો આતંક વધતા સ્થાનિકોમાં ફેલાયો ફાળ

અંબિકાપુર:   છત્તીસગઢના સુરગુજા જિલ્લાના મુખ્ય મથક અંબિકાપુરમાં આવેલું કોંગ્રેસનું મુખ્ય કાર્યાલય 'રાજીવ ભવન' હાલમાં રાજકીય ચર્ચાઓને બદલે એક અનોખી ચોરીને કારણે હેડલાઇન્સમાં છે. મધ્યરાત્રિએ ઓફિસની છત વાટે અંદર ઘૂસેલા તસ્કરોએ કોઈ કિંમતી દસ્તાવેજો કે રોકડને બદલે વોશરૂમના નળ પર પસંદગી ઉતારી હતી. ચોરોએ એક-બે નહીં પણ પૂરા 73 નળ ઉખેડી લીધા હતા. આટલેથી ન અટકતા, તેઓએ વોશરૂમની પાઇપલાઇન, કોમોડ અને ફ્લશ સિસ્ટમમાં પણ ભારે તોડફોડ કરી હતી. ચોરીની આ ઘટનાથી પાર્ટીને અંદાજે 80,000 રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન થયું છે, પરંતુ સૌથી વધુ ચર્ચા ચોરોએ પાછળ છોડેલા સંદેશની થઈ રહી છે.

જ્યારે સવારે ઓફિસ કેરટેકરે દરવાજા ખોલ્યા ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ હતી. ચોરોએ વોશરૂમના ધૂળિયા ફ્લોર પર આંગળીથી મોટા અક્ષરે "I Love Ambikapur" લખ્યું હતું. જાણે કે તેઓ શહેર પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માંગતા હોય અથવા તો પોલીસ તંત્રની મજાક ઉડાવવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે. આ અગાઉ પણ આ ભવનમાં બે વાર ચોરી થઈ ચૂકી છે, પરંતુ આ વખતે ચોરોએ જે રીતે 'સિગ્નેચર સ્ટાઈલ'માં સંદેશ છોડ્યો છે તેનાથી પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે આ કોઈ વ્યવસાયિક ગેંગને બદલે સ્થાનિક નશાખોરોનું કૃત્ય હોઈ શકે છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાલકૃષ્ણ પાઠકે આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે શહેરમાં પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ મર્યાદિત રહી ગયું છે અને અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ચોરોએ સીડીની સ્ટીલની ગ્રીલ પણ ચોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વજન વધુ હોવાથી તેઓ તેને ઉપરના માળે જ પડતી મૂકીને ભાગી ગયા હતા. હાલમાં પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ જે રીતે આ 'પ્રેમી ચોરો'એ ચોરીને અંજામ આપ્યો છે તે આખા અંબિકાપુરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

(5:59 PM IST)