<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

રેસ્ટોરાંમાં ટેબલ પર મુકેલા QR કોડથી ઓર્ડર આપતા પહેલાં ૧૦૦ વખત વિચારજો: ડિજિટલ મેનુ સ્કેન કરતા જ બેંક ખાતા થઈ શકે છે સાફ, જાણો બચવાના રામબાણ ઉપાયો!

ક્યુઆર કોડ (QR Code) ના સ્ટીકર બદલીને સાયબર ઠગો ગ્રાહકોના મોબાઈલ નંબર, ઈમેઈલ અને પર્સનલ ડેટાની કરી રહ્યા છે ચોરી; અસુરક્ષિત પબ્લિક વાઈ-ફાઈ વાપરતા લોકો ઈઝી ટાર્ગેટ

અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને ટેકનોલોજીએ આપણું જીવન ખૂબ સરળ બનાવી દીધું છે, પરંતુ તેની બીજી બાજુ એટલી જ જોખમી પણ છે. આજકાલ નાની-મોટી હોટેલો, રેસ્ટોરાં અને કાફેમાં ડિજિટલ મેનુ જોવા માટે અથવા પેમેન્ટ કરવા માટે ટેબલ પર 'ક્યુઆર કોડ' (QR Code) સ્કેન કરવાની સુવિધા સામાન્ય બની ગઈ છે. આ સુવિધા આપણો સમય ચોક્કસ બચાવે છે, પરંતુ સાયબર ક્રાઈમના વધતા જતા ગ્રાફ વચ્ચે તે હવે ગ્રાહકો માટે એક મોટું આર્થિક જોખમ પણ બની રહી છે. સાયબર એક્સપર્ટ્સના મતે, રેસ્ટોરાંના ટેબલ પર મુકેલા આ ડિજિટલ મેનુ કાર્ડ્સ હવે ઓનલાઈન છેતરપિંડીનું નવું હથિયાર બની ગયા છે.

આજના આધુનિક કૌભાંડમાં જ્યારે કોઈ ગ્રાહક માત્ર ખાણી-પીણીનું મેનુ જોવા માટે આ QR કોડ સ્કેન કરે છે, ત્યારે ઘણી થર્ડ-પાર્ટી વેબસાઇટ્સ કે પ્લેટફોર્મ દ્વારા તેમનો પર્સનલ મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી અથવા લોકેશન જેવી અત્યંત સંવેદનશીલ વિગતો માંગવામાં આવે છે. જો આ પ્લેટફોર્મ સુરક્ષિત ન હોય તો તમારો આ ડેટા હોટેલ સ્ટાફ અથવા અજાણ્યા સાયબર માફિયાઓ સુધી પહોંચી જાય છે. ત્યારબાદ ગ્રાહકોને અજાણ્યા નંબરો પરથી વારંવાર પ્રાઈવસી ભંગ કરતા ફોન કોલ્સ કે મેસેજ કરીને હેરાન કરવામાં આવે છે અને છેતરપિંડીની જાળ બિછાવવામાં આવે છે.

અસલી કોડ પર નકલી સ્ટીકરની નવી મોડસ ઓપરેન્ડી

સાયબર ગુનેગારોની સૌથી ખતરનાક ટ્રીક એ છે કે તેઓ રેસ્ટોરાંમાં જઈને ટેબલ પર લગાવેલા અસલી ક્યુઆર કોડ ઉપર પોતાના નકલી કોડનું સ્ટીકર ચોંટાડી દે છે. ગ્રાહક જ્યારે આ કોડ સ્કેન કરે છે, ત્યારે તે રેસ્ટોરાંની ઓફિશિયલ સાઇટને બદલે કોઈ ફેક (નકલી) વેબસાઇટ પર રીડાયરેક્ટ થઈ જાય છે. અહીં ડિસ્કાઉન્ટ કે કૂપનની લાલચ આપીને તેમની બેંકિંગ વિગતો અને પાસવર્ડ ચોરી લેવામાં આવે છે. ખાસ કરીને રેસ્ટોરાંના ફ્રી પબ્લિક Wi-Fi નો ઉપયોગ કરીને આવા કોડ સ્કેન કરવાથી હેકિંગનું જોખમ ૧૦ ગણું વધી જાય છે.

સાયબર ફ્રોડની આ જાળમાંથી કેવી રીતે બચવું? જાણો સુરક્ષા ટિપ્સ

ડિજિટલ મેનુ અને સાયબર ફ્રોડના આ જોખમથી સુરક્ષિત રહેવા માટે ગ્રાહકોએ નીચે મુજબની સાવચેતી રાખવી અત્યંત અનિવાર્ય છે:

·         સ્ટીકરની તપાસ કરો: કોઈપણ ક્યુઆર કોડ સ્કેન કરતા પહેલા તેને હાથ લગાવીને બરાબર ચેક કરો કે તે અસલી પ્રિન્ટેડ બોર્ડ છે કે પછી તેના પર કોઈ બીજું નકલી સ્ટીકર ચોંટાડવામાં આવ્યું છે.

·         વિગતો શેર ન કરો: માત્ર ખાવાનું મેનુ જોવા માટે ક્યારેય લોગઇન ન કરો કે તમારો મોબાઈલ નંબર-ઈમેઈલ આપશો નહીં. જો હોટેલ સ્ટાફ દબાણ કરે, તો સીધું કાગળ વાળું ફિઝિકલ મેનુ કાર્ડ જ માંગો.

·         પરમિશન ન આપો: જો કોઈ ક્યુઆર કોડ સ્કેન કર્યા પછી શંકાસ્પદ પેજ ખુલે અથવા તે તમારા ફોનના કેમેરા, કોન્ટેક્ટ્સ કે ગેલેરીની Permissions માંગે, તો તે પેજને તરત જ બંધ કરી દો.

·         પબ્લિક વાઈ-ફાઈથી દૂર રહો: હોટેલ કે કાફેના મફત પબ્લિક વાઈ-ફાઈ (Public Wi-Fi) પર ક્યારેય ઓનલાઈન બેંકિંગ એપ ખોલવી નહીં કે ગુપ્ત વ્યવહારો કરવા નહીં. તેમજ મફત કૂપન કે કેશબેકની લાલચ આપતા ક્યુઆર કોડથી હંમેશા દૂર રહેવું હિતાવહ છે.

(9:26 PM IST)