તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
બાલી જવાનું વિચારી રહ્યા છો? ભારતીયો માટે વિઝાના નિયમો થયા સાવ સરળ: હવે એરપોર્ટ પર ઉતરતા જ મળશે એન્ટ્રી, જાણો લેટેસ્ટ ગાઈડલાઈન!
30 દિવસના સ્ટે અને એક્સટેન્શનની સુવિધા સાથે ઇન્ડોનેશિયામાં મુસાફરી બની સુગમ: ઓનલાઈન e-VoA થી ઈમિગ્રેશનના ધક્કામાંથી મળશે મુક્તિ

ડેનપાસર (બાલી), તા. 28: ઉનાળાની રજાઓમાં જો તમે દરિયા કિનારે અને કુદરતી સૌંદર્ય વચ્ચે સમય વિતાવવા માંગતા હોવ, તો ઇન્ડોનેશિયાનું બાલી તમારા માટે શ્રેષ્ઠ સ્થળ સાબિત થઈ શકે છે. ભારતીય પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર એ છે કે ઇન્ડોનેશિયા સરકારે 'વિઝા ઓન અરાઈવલ' (VoA) ની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. હવે ભારતીયોએ લાંબી વિઝા પ્રક્રિયાની ચિંતા કરવાની જરૂર નથી, તેઓ સીધા એરપોર્ટ પર ઉતરીને વિઝા મેળવી શકશે.
30 દિવસનો સ્ટે અને વધારાની સુવિધા
આ વિઝા સુવિધા હેઠળ ભારતીય પ્રવાસીઓ 30 દિવસ સુધી ઇન્ડોનેશિયામાં રહી શકે છે. જો તમારો પ્લાન લાંબો હોય, તો તમે ત્યાં રોકાણ દરમિયાન વધુ 30 દિવસ માટે વિઝા લંબાવી પણ શકો છો. એટલે કે, તમે કુલ 60 દિવસ સુધી બાલીના સુંદર નજારાનો આનંદ માણી શકશો. આ સુવિધા ડેનપાસર-બાલી, જકાર્તા, સુરબાયા અને લોમ્બોક જેવા મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉપલબ્ધ છે.
આટલા ડોક્યુમેન્ટ્સ રાખજો તૈયાર
પ્રવાસ પર નીકળતા પહેલા ભારતીય મુસાફરોએ કેટલીક પાયાની શરતોનું પાલન કરવું પડશે:
• પાસપોર્ટ: તમારો પાસપોર્ટ પ્રવાસની તારીખથી ઓછામાં ઓછો 6 મહિના સુધી વેલિડ હોવો જોઈએ.
• રિટર્ન ટિકિટ: તમારી પાસે ભારત પાછા આવવાની અથવા અન્ય કોઈ દેશમાં જવાની કન્ફર્મ ટિકિટ હોવી અનિવાર્ય છે.
• પૂરતું ભંડોળ: રોકાણ દરમિયાનના ખર્ચ માટે તમારી પાસે પર્યાપ્ત નાણાં હોવાના પુરાવા પણ માંગવામાં આવી શકે છે.
• ઈ-વિઝા (e-VoA): જો તમે એરપોર્ટ પર લાઈનમાં ઉભા રહેવા માંગતા ન હોવ, તો તમે ઘરે બેઠા ઓનલાઈન e-VoA માટે પણ અરજી કરી શકો છો, જેથી ઇમિગ્રેશન ક્લિયરન્સ ઝડપથી મળી જાય.
સ્માર્ટ ટ્રાવેલ માટેની ટિપ્સ
ઇન્ડોનેશિયા સરકાર પ્રવાસનને વેગ આપવા માટે આ પ્રકારની સરળ નીતિઓ અપનાવી રહી છે. જોકે, મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પ્રસ્થાન પહેલા તમામ કાગળો તૈયાર રાખે જેથી એરપોર્ટ પર કોઈ વિલંબ ન થાય. બાલી ઉપરાંત ઇન્ડોનેશિયા બિઝનેસ અને સ્ટડી વિઝા જેવી અન્ય કેટેગરી પણ ઓફર કરે છે, પરંતુ પ્રવાસીઓ માટે 'વિઝા ઓન અરાઈવલ' સૌથી વધુ લોકપ્રિય અને અનુકૂળ વિકલ્પ છે. તો તૈયાર કરી લો તમારી બેગ અને ઉપડી પડો બાલીના પ્રવાસે!
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
