<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ચીનની સરમુખત્યારશાહી સામે ભારતની આ 'અરાજકતા' જ આપણી લોકશાહીની સાચી સુંદરતા અને કિંમત છે: પેપ્સિકોના પૂર્વ CEO ઇન્દ્રા નૂયીનું મોટું નિવેદન

અમેરિકાની 'હૂવર ઇન્સ્ટિટ્યૂશન'માં પૂર્વ યુએસ સેક્રેટરી કોન્ડોલીઝા રાઈસ સાથેની ચર્ચામાં ભારતની જીવંત વ્યવસ્થા પર દિલ ખોલીને કરી વાત; ચીનને 'અંધકાર યુગ' ગણાવી ભારતીય ન્યાયતંત્ર અને લોકશાહીના કર્યા વખાણ

ચેન્નાઈ, તા.૦૨: વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક 'પેપ્સિકો' (PepsiCo) ના પૂર્વ ચેરમેન અને સીઈઓ ઈન્દ્રા નૂયી પોતાના સ્પષ્ટ વિચારો માટે જાણીતા છે. તાજેતરમાં અમેરિકાની પ્રતિષ્ઠિત હૂવર ઇન્સ્ટિટ્યૂશનમાં યોજાયેલી એક ખાસ ચર્ચા દરમિયાન, તેમણે ભારત અને ચીનની સરખામણી કરતા વૈશ્વિક સ્તરે ભારતનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો છે. ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ કોન્ડોલીઝા રાઈસ સાથેની વાતચીતમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અમેરિકન વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ચીન જવાનું કેમ વધુ પસંદ કરે છે અને ભારત કેમ ઓછું જાય છે? ત્યારે ઇન્દ્રા નૂયીએ આપેલા જવાબે સૌના દિલ જીતી લીધા હતા.
"ભારતની સુંદરતા જ તેની અરાજકતામાં છે"
ચેન્નાઈમાં જન્મેલા અને ઉછરેલા ઇન્દ્રા નૂયીએ ભારતની વાસ્તવિકતાનો સ્વીકાર કરતા હસીને કહ્યું, "ભારત દરેક વ્યક્તિના વશની વાત નથી, તે એક અસ્તવ્યસ્ત (Chaos) દેશ છે. પરંતુ ભારતની અસલી સુંદરતા જ તેની આ સંપૂર્ણ અરાજકતામાં રહેલી છે." તેમણે ઉમેર્યું કે જે લોકો આ અરાજકતા અને અવ્યવસ્થાને એકવાર દિલથી સ્વીકારી લે છે, તેમને આ દેશનું વળગણ લાગી જાય છે. જો કે, જેમને એકદમ શિસ્તબદ્ધ અને સુઘડ જીવન જીવવાની ટેવ હોય, તેમના માટે ભારત કદાચ 'અશક્ય' લાગી શકે છે, જ્યાં આજે પણ રસ્તાઓ પર લક્ઝરી કારની સાથે ગાયો પણ આરામથી ફરતી જોવા મળે છે!
ચીનનું મોડેલ વિરુદ્ધ ભારતની લોકશાહી
ચીન સાથે સરખામણી કરતા નૂયીએ જણાવ્યું કે ચીનમાં નેવિગેટ કરવું કે શાસન કરવું સરળ છે કારણ કે ત્યાં એકરૂપતા (Homogeneity) છે, જ્યારે ભારતમાં ચિત્ર તદ્દન અલગ છે. ભારતની આ અવ્યવસ્થિતતા વાસ્તવમાં આપણી લોકશાહીની દૃશ્યમાન કિંમત છે. "જ્યારે દેશમાં દરેક નાગરિક પાસે મત આપવાનો અધિકાર હોય અને દરેક વ્યક્તિનો પોતાનો એક અલગ અભિપ્રાય હોય, ત્યારે વિકાસ અને પ્રગતિની ગતિ થોડી ધીમી ચોક્કસ થાય છે, પરંતુ મને ખુશી છે કે ભારત આ જ રીતે જીવે છે." આ સાથે જ તેમણે ચીનના કેન્દ્રીય આયોજન આધારિત શાસનને 'અંધકાર યુગ' (Dark Age) સાથે સરખાવ્યું હતું.
ભારતીય ન્યાયતંત્ર નાગરિકોની ઢાલ
પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતા ઇન્દ્રા નૂયીએ ભારતીય ન્યાયતંત્રના વખાણ કર્યા હતા. તેમણે નોંધ્યું કે ભારતના દરેક મધ્યમ કે મોટા શહેરમાં અમેરિકાના નાના નગરો જેવા જ કોર્ટહાઉસ (અદાલતો) આવેલા છે, જે દર્શાવે છે કે દેશમાં નાગરિકોની રક્ષા માટે એક મજબૂત અને સ્વતંત્ર ન્યાયતંત્ર કામ કરી રહ્યું છે. જ્યારે ચીનમાં પરિસ્થિતિ સાવ વિપરીત છે, ત્યાં કોઈ સ્વાયત્ત ન્યાયિક સંસ્થા નથી, ત્યાં સરકાર જ તમારી નિયમ બનાવનાર છે અને સરકાર જ પોતે ન્યાયાધીશ (નિર્ણાયક) છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રા નૂયી હંમેશા ભારતના આર્થિક ગ્રોથ અને સામાજિક માળખા પર નજર રાખતા આવ્યા છે. તેમના ૨૦૨૧ના સંસ્મરણો 'માય લાઇફ ઇન ફુલ' માં પણ તેમણે ચીન અને ભારતની રાજકીય અને વ્યવસાયિક સ્થિતિનો ઊંડો અભ્યાસ રજૂ કર્યો હતો. ભારતની આ જ વિવિધતા, લોકશાહી અને અનન્ય અંદાજ તેને વિશ્વના અન્ય દેશો કરતા અલગ પાડે છે, તેમ નૂયીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

(4:51 PM IST)