News of Tuesday, 28th April 2026
પરમાણુ બોમ્બના પ્રચંડ વિસ્ફોટમાં પણ અડીખમ રહ્યું આ 'અમર' વૃક્ષ: હિરોશિમાની રાખમાંથી ફરી બેઠું થયું આ 'લિવિંગ ફોસિલ', વૈજ્ઞાનિકો પણ કુદરતની આ કરામત જોઈ દંગ!
વિસ્ફોટના સ્થળથી માત્ર 1 કિમી દૂર હોવા છતાં ઝીલી લીધું હજારો ડિગ્રી તાપમાન: 'હિબાકુજુમોકુ' વૃક્ષો બન્યા આશા અને શાંતિનું પ્રતીક, જાણો કઈ રીતે રેડિયેશનની જીવલેણ અસરોને માત આપી ફરી ફૂટ્યા નવપલ્લવિત ફણગા

હિરોશિમા: ઓગસ્ટ 1945માં જ્યારે અમેરિકાએ જાપાનના હિરોશિમા પર પરમાણુ બોમ્બ ફેંક્યો, ત્યારે આખું શહેર સેકન્ડોમાં રાખના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. તે સમયે વૈજ્ઞાનિકોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે આ વિસ્તારમાં દાયકાઓ સુધી કોઈ જીવ પલપી શકશે નહીં. પરંતુ કુદરતે તમામ અનુમાનોને ખોટા સાબિત કર્યા. આજે હિરોશિમામાં એવા કેટલાક વૃક્ષો ઉભા છે જે તે ભયાનક પરમાણુ વિસ્ફોટમાં ખરાબ રીતે દાઝી ગયા હોવા છતાં આજે પણ લીલાછમ છે.
શું છે આ 'હિબાકુજુમોકુ' વૃક્ષોની કહાની?
હિરોશિમામાં પરમાણુ હુમલા પછી બચી ગયેલા આ વૃક્ષોને જાપાનીઝ ભાષામાં 'હિબાકુજુમોકુ' (Hibakujumoku) કહેવામાં આવે છે. આમાં સૌથી નોંધપાત્ર નામ 'જિન્કગો બિલોબા' (Ginkgo Biloba) વૃક્ષનું છે, જેને વૈજ્ઞાનિકો 'લિવિંગ ફોસિલ' (જીવંત અશ્મિ) તરીકે ઓળખાવે છે. આશ્ચર્યની વાત એ છે કે, વિસ્ફોટના સ્થળથી માત્ર 1-2 કિલોમીટરના અંતરે હોવા છતાં, ગંભીર રીતે ઝુલસી ગયેલા આ વૃક્ષોમાં 1946ની વસંતઋતુ આવતાની સાથે જ નવા પાંદડા ફૂટવા લાગ્યા હતા.
વૈજ્ઞાનિકો કેમ છે આશ્ચર્યચકિત?
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધન મુજબ, છોડ અને વૃક્ષોમાં ડીએનએ (DNA) રિપેર કરવાની અદભૂત ક્ષમતા હોય છે. પ્રાણીઓ કે મનુષ્યોની જેમ વૃક્ષો કોઈ ચોક્કસ અંગ પર નિર્ભર હોતા નથી. જો તેમનો કોઈ હિસ્સો નાશ પામે તો પણ તેઓ ફરીથી વિકાસ પામી શકે છે. આ વૃક્ષોના મૂળ જમીનની અંદર સુરક્ષિત રહી ગયા હતા અને ત્યાંથી જ તેમણે ફરીથી જીવનની શરૂઆત કરી હતી. આ વૃક્ષોમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ રેડિયેશનથી થતા નુકસાનને રોકવામાં મદદરૂપ સાબિત થયા હતા.
શાંતિ અને પુનઃનિર્માણનું પ્રતીક
આજે આ વૃક્ષોને માત્ર વનસ્પતિ તરીકે નહીં, પણ સમગ્ર વિશ્વ માટે 'આશાના પ્રતીક' તરીકે જોવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર અને 'ગ્રીન લેગસી હિરોશિમા' જેવા કાર્યક્રમો દ્વારા આ ચમત્કારિક વૃક્ષોના બીજ દુનિયાના ખૂણેખૂણે મોકલવામાં આવે છે, જેથી શાંતિનો સંદેશ ફેલાવી શકાય.
વૈજ્ઞાનિકો માને છે કે આ વૃક્ષો પર થઈ રહેલા અભ્યાસથી ભવિષ્યમાં અંતરિક્ષમાં ખેતી કરવા કે ખરાબ જમીનમાં પાક ઉગાડવા જેવી મુશ્કેલ બાબતોમાં મોટી મદદ મળી શકે છે. પરમાણુ બોમ્બ જેવી વિનાશકારી ઘટના પછી પણ આ વૃક્ષોનું ફરીથી ખીલવું એ સાબિત કરે છે કે પૃથ્વી પર જીવન જીતવાની ક્ષમતા આપણી કલ્પના કરતા ક્યાંય વધુ મજબૂત છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
