તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
ગજબ છે આ સાહેબ! દિલ્હી પોલીસના સબ-ઇન્સ્પેક્ટરે સામે ચાલીને માંગ્યું પોતાનું ડિમોશન, કારણ જાણીને DCP પણ ચોંકી ગયા અને બનાવી દીધા કોન્સ્ટેબલ
વધારે જવાબદારીઓ બની આડખીલી: અભ્યાસ માટે સમય ફાળવવા SI પદનો ત્યાગ કરી ફરી ખાખી વર્દીમાં 'કોન્સ્ટેબલ' બનવાનું પસંદ કર્યું

નવી દિલ્હી : સામાન્ય રીતે સરકારી નોકરીમાં લોકો પ્રમોશન (બઢતી) મેળવવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે, પરંતુ દિલ્હી પોલીસમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સૌને હેરાન કરી દીધા છે. ઉત્તર-પૂર્વ દિલ્હીના કરાવલ નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ-ઇન્સ્પેક્ટર (SI) મનીષે સ્વેચ્છાએ પોતાનું પદ ઘટાડીને ફરીથી કોન્સ્ટેબલ બનવાની વિનંતી કરી છે. ડીસીપીએ પણ તેમની આ વિચિત્ર લાગતી પણ નક્કર વિનંતીને સ્વીકારીને તેમને ફરી કોન્સ્ટેબલ બનાવી દીધા છે.
જવાબદારીનો બોજ અને ભણવાનો શોખ
મનીષે પોતાની કારકિર્દીની શરૂઆત એક કોન્સ્ટેબલ તરીકે કરી હતી. ત્યારબાદ વિભાગીય પરીક્ષા પાસ કરીને તેઓ સબ-ઇન્સ્પેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા હતા. જોકે, પ્રમોશન મળ્યા બાદ કામનો બોજ અને વ્યસ્તતા એટલી વધી ગઈ કે તેઓ પોતાની વ્યક્તિગત રુચિ માટે સમય ફાળવી શકતા નહોતા. વિભાગીય સાથીઓના જણાવ્યા અનુસાર, મનીષને અભ્યાસમાં ખૂબ જ રસ છે અને તેઓ કોઈ મોટી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગે છે. SI પદ પર રહેવાથી સમયનો અભાવ નડતો હતો, જે તેમને કોન્સ્ટેબલ તરીકે વધુ મળી શકશે.
તપાસ બાદ લેવાયો નિર્ણય
જ્યારે મનીષે ઉચ્ચ અધિકારીઓને અરજી આપી કે તેઓ સબ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કરવા માંગતા નથી, ત્યારે પોલીસ વિભાગમાં પણ ચર્ચાઓ શરૂ થઈ હતી. નિર્ણય લેતા પહેલા અધિકારીઓએ એ બાબતની ઝીણવટભરી તપાસ કરી હતી કે મનીષ વિરુદ્ધ કોઈ વિભાગીય તપાસ, ફોજદારી કેસ કે વિજિલન્સનો મામલો પેન્ડિંગ તો નથી ને? તપાસમાં બધું ક્લીન મળતા અને મનીષના મક્કમ નિર્ધારને જોતા, ડેપ્યુટી કમિશનરે તેમને સબ-ઇન્સ્પેક્ટરમાંથી ઘટાડીને ફરી કોન્સ્ટેબલના પદ પર નિમણૂક આપી છે.
ચારેબાજુ થઈ રહી છે ચર્ચા
દિલ્હી પોલીસના ઇતિહાસમાં આ એક દુર્લભ કિસ્સો છે જ્યાં કોઈ અધિકારીએ પોતાની કારકિર્દીના સપના સાકાર કરવા માટે પાવર અને ઊંચા હોદ્દાનો ત્યાગ કર્યો હોય. અત્યારે સોશિયલ મીડિયા અને પોલીસ બેડામાં મનીષના આ નિર્ણયની ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે, "લક્ષ્ય મેળવવા માટે ક્યારેક બે ડગલાં પાછળ હટવું પણ બહાદુરીનું કામ છે."
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
